હળવદના યાર્ડમાં ધાણાની પ્રતિદિન 40થી 45 હજાર મણની આવક, યાર્ડ બહાર વાહનોની લાગતી લાઈનો
હળવદઃ ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન પડેલા સારા વરસાદને કારણે ખરીફ બાદ રવિ સીઝનમાં પણ સિંચાઈ માટે પુરતું પાણી મળી રહેતા અને સાનુકૂળ હવામાનને લીધે તમામ પાકોનું ખેત ઉત્પાદન સારૂએવું થયું છે. જેમાં હળવદ વિસ્તારમાં ધાણાનું વિપુલ ઉત્પાદન થયું છે. તેથી હળવદ માર્કેટ યાર્ડમાં ધાણાની ચિક્કાર આવક થઈ રહી છે. દૈનિક 40થી 45 હજાર મણ આવક થઈ રહી હોય યાર્ડ ધાણાથી છલોછલ ભરાય જાય છે. ધાણાની પુષ્કળ આવકથી બે દિવસ સુધી હરરાજી થતી હોય જગ્યાના અભાવને લીધે ધાણા વેચવા આવતા ખેડૂતોને અગાઉથી કમિશન એજન્ટ કે માર્કેટ યાર્ડને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
હળવદ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, હળવદ માર્કેટ યાર્ડમાં હાલ રવિ સીઝનમાં સૌથી વધુ ધાણા આવક થઈ રહી છે. હળવદ માર્કેટ યાર્ડમાં ધાણાની આવક એટલી ભરપૂર છે કે, એક દિવસમાં ધાણા આવક 40થી 45 હજાર મણ થાય છે. એક દિવસમાં 20 હજાર મણથી વધુ ધાણાની હરરાજી થાય છે. એટલે એક દિવસની ધાણાની આવકની હરરાજી કરતા બે દિવસ જેવો સમય લાગે છે. જેને કારણે માર્કેટ યાર્ડમાં જગ્યા બચતી ન હોય ત્રીજા દિવસે ફરીથી ધાણાની આવક લેવાનું ચાલુ કરીએ છીએ.ભાવની વાત કરીએ તો સારા અને સૂકા ધાણા હોય તો 900થી માંડી 1700 રૂપિયા સુધીનો ભાવ રહે છે.
હળવદ માર્કેટ યાર્ડના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, યાર્ડમાં એરડો 10 હજાર મણ, રાય 15 હજાર મણ, રાયડો 5 હજાર મણની દૈનિક આવક થાય છે. માર્કેટ યાર્ડનું ચોગાન બહુ જ મોટું હોવા છતાં હાલ ધાણાની પુષ્કળ આવક થતી હોય બે દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. છતાં સારા ભાવથી આ જણસીઓનો ઝડપી નિકાલ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધાણાની ભરપૂર આવક હોવાથી જગ્યા બચતી ન હોય ખેડૂતો ધાણા લઈને માર્કેટ યાર્ડમાં વેચવા આવે તે પહેલાં તેઓ કમિશન એજન્ટ અથવા માર્કેટ યાર્ડને જાણ કરે જેથી જગ્યા ન હોય તો તેઓને ધાણા વેચ્યા વગર ખાલી હાથે પરત જવું પડે એટલે ખોટો ધક્કો ન થાય એ માટે વેચવા આવતા ખેડૂતોને અગાઉથી કમિશન એજન્ટ કે માર્કેટ યાર્ડને જાણ કરવા અપીલ કરાઈ છે.