
દલિત સમાજ દ્વારા જુનાગઢથી ગોંડલ સુધી નીકળી વિશાળ રેલી, પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો
રાજકોટઃ જુનાગઢનાં દલિત યુવાનનું ગોંડલના ધારાસભ્યનાં પુત્ર દ્વારા અપહરણ કરી માર મારવાની ચર્ચિત ઘટના બાદ દલિત સમાજ રોષે ભરાયો હતો અને જુનાગઢથી ગોંડલ સુધીની રેલી અને જનસભાનું આયોજન કરાયુ હતું. આજે તા.12મીને બુધવારે જુનાગઢથી ગોંડલ સુધી દલિત સમાજની રેલી નિકળી હતી. અને ગોંડલમાં દલિત સમાજનું મહાસંમેલન યોજાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકઠા થયા હતા.
ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેમના માણસો દ્વારા ગત તારીખ 30 મેની રાત્રે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને મારમારવામાં વ્યો હતો. આ બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો હતો. આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુ.જાતિ સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત અનુ.જાતિ સમાજ ગુજરાત દ્વારા જૂનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજું ગણેશ જાડેજાના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલનાં 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યાં છે.
જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની બાઈક રેલી જેતપુર, ધોરાજી થઈ ગોંડલ ખાતે પહોંચી હતી. રેલી સવારે દશ કલાકે જૂનાગઢથી નીકળી નવાગઢ ડો.આંબેડકર ચોક પહોંચી હતી. ત્યાંથી ભેંસાણ, જેતપુર, ધોરાજી, ઉપલેટાના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. વિરપુર હાઇવેથી વિરપુર તથા આસપાસના ગામોના કાર્યકર્તાઓ જોડાયા હતા. દલિત સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરી અને ‘અનુસૂચિત સમાજ પર અત્યાચાર બંધ કરો’ના નારા લગાવામાં આવ્યા હતા. ગણેશ જાડેજાને વધુમાં વધુ કડક સજા થાય એવી દલિત સમાજે માગણી કરી છે. રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને જૂનાગઢ અને રાજકોટ જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.