સિડનીના બોન્ડી બીચ આતંકી હુમલાની ઘટનામાં મૃત્યુઆંક 16ઉપર પહોંચ્યો, 5ની હાલત નાજુક
સિડનીના બોન્ડી બીચ પર રવિવારે થયેલા સામૂહિક ગોળીબારની ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈને આંકડો 16 ઉપર પહોંચ્યો છે. પોલીસે સોમવારે માહિતી આપી હતી કે આ હુમલાને અંજામ આપનાર પિતા અને પુત્ર હતા. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની પોલીસે પુષ્ટિ કરી છે કે આ ગોળીબાર બાદ અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. પોલીસના નિવેદન અનુસાર, 14 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. મૃતકોની ઉંમર 10 વર્ષથી લઈને 87 વર્ષ સુધીની છે, જેમાં હુમલાખોરોમાંથી એકનો પણ સમાવેશ થાય છે. સોમવાર સવાર સુધીમાં લગભગ 40 જેટલા ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જેમાંથી પાંચની હાલત અત્યંત ગંભીર જણાવાઈ છે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ કમિશનર મેલ લાન્યને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, બંને શંકાસ્પદ હુમલાખોરોમાંથી એક 50 વર્ષીય વ્યક્તિ અને તેનો 24 વર્ષીય પુત્ર હતો. 50 વર્ષીય વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ પાસે કાયદેસર હથિયારનું લાઇસન્સ હતું અને તેની પાસે કાયદેસર રીતે છ બંદૂકો હતી. આ ગોળીબાર રવિવારે સાંજે લગભગ 6.47 વાગ્યે થયો હતો, જ્યારે યહૂદી તહેવાર હનુક્કાના પહેલા દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓછામાં ઓછા 1000 લોકો દરિયાકિનારે એકઠા થયા હતા. તે દરમિયાન જ બંને હુમલાખોરોએ ભીડ પર ગોળીઓ ચલાવી દીધી હતી.
પોલીસ કમિશનર લાન્યને જણાવ્યું કે, રવિવારે રાત્રે આ ઘટનાને આતંકવાદી હુમલો જાહેર કરવામાં આવ્યો હતો અને તેની પાછળના હેતુની તપાસ હજી ચાલુ છે. ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે, “ઑસ્ટ્રેલિયા નફરત અને હિંસાના આધારે વહેંચાશે નહીં. અમે તેનો મક્કમતાથી સામનો કરીશું અને યહૂદી સમુદાય સહિત સમગ્ર દેશ સાથે એકતા બતાવીશું.”
પ્રધાનમંત્રીએ અગાઉ કહ્યું હતું કે, આ હુમલો સંપૂર્ણપણે બુરાઈનું ઉદાહરણ છે અને ઑસ્ટ્રેલિયા યહૂદી-વિરોધી વિચારસરણીને ખતમ કરવા માટે દરેક જરૂરી પગલાં લેશે.આ ઘટના ઑસ્ટ્રેલિયામાં 1996 પછીનો સૌથી ઘાતક સામૂહિક ગોળીબાર માનવામાં આવે છે. 1996માં તાસ્માનિયાના પોર્ટ આર્થરમાં થયેલા ગોળીબારમાં 35 લોકોના જીવ ગયા હતા, જેના પછી દેશના હથિયાર કાયદાઓમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા.


