
દિલ્હી એરપોર્ટઃ સોનાની દાણચોરીની નવી તરકીબનો પર્દાફાશ, જ્યુસના ટેટ્રા પેકમાં છુપાવ્યું હતું કરોડોનું સોનુ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરો સામે આકરી કાર્યવાહી છતા સોનાની દાણચોરી અટકવાનું નામ નથી લઈ રહ્યું. દરમિયાન એરપોર્ટ ઉપર ફરી એકવાર રૂ. અઢી કરોડના સોનાની દાણચોરીની ઘટના સામે આવી છે. આ સ્મગલિંગ બેંગકોકથી કરાયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. દરમિયાન એરપોર્ટ તંત્ર દ્વારા એક આરોપીની કસ્ટમ એક્ટ, 1962 હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ સોનું જ્યુસના ટેટ્રા પેકમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું.
On the basis of profiling, Customs@IGI Airport have seized gold bars weighing 4204GMs valued at 2.24 Crores brought by One Indian national from Bangkok. The pax has been arrested under Customs Act, 1962. Further, investigations are underway. pic.twitter.com/qOQTd0uwGj
— Delhi Customs (Airport & General) (@AirportGenCus) November 20, 2023
પ્રાપ્ત માહિતી અનુસાર બેંગકોકની ફ્લાઈટમાં એક મુસાફર દિલ્હી આવ્યો હતો. દિલ્હી એરપોર્ટ ઉપર ત્યારે કસ્ટમના અધિકારીઓએ શંકાના આધારે તેને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. આ મુસાફરની બેગમાં રૂ. અઢી કરોડનું સોનુ છુપાવ્યું હતું. બેંગકોકની ફ્લાઈટમાં આવેલા મુસાફર દ્વારા સોનાની દાણચોરીની તરકીબ જાણીને કસ્ટમના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ સોનાનો જથ્થો બેગમાં જ્યુસના ટેટ્રા પેકમાં છુપાવવામાં આવ્યું હતું. જ્યૂસનું ટેટ્રા પેક ખોલવામાં આવ્યું તો તેમાં નાના-નાના પેકેટમાં સોનાના બિસ્કિટ પણ હતા. અધિકારીઓએ પહેલા જ્યુસનું પેક કાપ્યું અને પછી તેમાંથી સોનું કાઢ્યું હતું.
આ સમગ્ર મામલે કસ્ટમ વિભાગે સોનાની દાણચોરી કરનાર મુસાફરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સોનુ કોને મંગાવ્યું હતું અને કોની પાસે લાવવામાં આવ્યું હતું તે અંગે કસ્ટમ વિભાગ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ શરુ કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સોનાની દાણચોરીને અટકાવવા માટે કસ્ટમ વિભાગ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે.