દિલ્હીઃ બોગસ મોબાઇલ ફેક્ટરીનો પર્દાફાશ, ચાઈનીઝ સોફ્ટવેરની મદદથી બદલાતો હતો IMEI નંબર
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ઓપરેશન ‘સાઇબરહૉક’ હેઠળ કરોલ બાગના મોબાઇલ હબમાં મોટી કાર્યવાહી કરીને ફેક મોબાઇલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી 1,826 મોબાઇલ ફોન, લેપટોપ, ચાઇનીઝ સોફ્ટવેર, IMEI સ્કેનર અને મોટી માત્રામાં મોબાઇલ બોડી પાર્ટ્સ જપ્ત કર્યા છે. આ સમગ્ર રૅકેટ હેઠળ ચાઇનીઝ સોફ્ટવેર દ્વારા IMEI નંબર બદલી જૂના મોબાઇલને નવા ફોનની જેમ માર્કેટમાં વેચવામાં આવતા હતા. જપ્ત થયેલ ફોનમાં નૉન-ટ્રેસેબલ ચાઇનીઝ IMEI નંબર હતા, જેના કારણે સુરક્ષા એજન્સીઓ ચિંતામાં મુકાઈ છે. પોલીસની તપાસમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ રૅકેટમાં એક ચાઇનીઝ નાગરિકની ભૂમિકા પણ બહાર આવી છે. આરોપી ગેંગનો લીડર અશોક વારંવાર ચીન જતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હવે ટેરર એંગલ અને ચાઇનીઝ કનેક્શનની વિગતવાર તપાસ શરૂ કરી છે. સેન્ટ્રલ દિલ્હી DCP એ જણાવ્યું કે, ગેંગના તાર ચીન સુધી પહોંચતા જણાય છે અને કેટલાક ચાઇનીઝ લોકો પણ દિલ્હીમાં આવતા જતા હતા.
કરોલ બાગના બીડનપુરાની ગલી નંબર 22ની એક બિલ્ડિંગના ચોથા માળે આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. 20 નવેમ્બરે પોલીસે આદિત્યા ઈલેક્ટ્રોનીક્સ એન્ડ એસેસરીઝ નામની દુકાન પર રેડ પાડી હતી. પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીઓ જુના મોબાઇલના મધરબોર્ડ ખરીદતા, ચીનથી આવેલા નવા મોબાઇલ પાર્ટ્સ સાથે જોડાણ કરતા, ચાઇનીઝ સોફ્ટવેર દ્વારા ઓરિજિનલ IMEI બદલી ફેક IMEI નંબર લગાવી ફોનને નવી પેકિંગમાં માર્કેટમાં વેચતા હતા. આ ફોન કરોલ બાગના ગફ્ફાર માર્કેટ સહિત સમગ્ર દિલ્હી-એનસીઆરમાં વેચવામાં આવતા હતા.પોલીસ મુજબ IMEI બદલાયેલા મોબાઇલ ટ્રેક કરવાનું મુશ્કેલ હોવાના કારણે ગુનાહિત તત્વો માટે આ ફોન પ્રથમ પસંદગી બન્યા હતા.


