નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત શરાબ કૌભાંડની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈડીએ અગાઉ આ પ્રકરણમાં આમ આદમી પાર્ટીના સિનિયર નેતા મનિષ સિસોદીયાની પણ પૂછપરછ કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. જ્યારે CBIએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને બીજી વખત નોટિસ મોકલીને 26 ફેબ્રુઆરીએ હાજર થવાનું કહ્યું છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તપાસ બાદ કોર્ટમાં તપાસ એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં EDએ દાવો કર્યો છે કે દિલ્હીની એક્સાઇઝ પોલિસી 2021-22 ‘AAP’ના ટોચના નેતાઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. સીબીઆઈ અને ઈડી દ્વારા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, અનેક સરકારી અધિકારીઓ અને દારૂના ધંધાર્થીઓને આરોપી દર્શાવ્યાં છે.
આ કેસના આરોપીઓમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદિયા, પૂર્વ આબકારી કમિશનર અર્વા ગોપી કૃષ્ણા, ભૂતપૂર્વ નાયબ આબકારી કમિશનર આનંદ તિવારી અને ભૂતપૂર્વ સહાયક કમિશનર પંકજ ભટનાગરનો સમાવેશ થાય છે. CBI અને ED મુજબ, એક્સાઇઝ પોલિસીમાં સુધારો કરતી વખતે અનિયમિતતા આચરવામાં આવી હતી અને લાઇસન્સ ધારકોને અનુચિત લાભ આપવામાં આવ્યો હતો.
દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2021 ના રોજ આબકારી નીતિ લાગુ કરી હતી, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે સપ્ટેમ્બર 2022 ના અંતમાં તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. એલજીના આદેશ બાદ સીબીઆઈએ કેસ નોંધ્યો હતો. બાદમાં EDએ તેમાં મની લોન્ડરિંગની પણ તપાસ કરી હતી. અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયાએ પણ ધરપકડની આશંકા વ્યક્ત કરી છે.
(PHOTO-FILE)