1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાકળ વર્ષા સાથે ગાઢ ધૂંમ્મસ છવાયું, રોડ-રસ્તા ભીંજાતા આહ્લાદક વાતાવરણ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાકળ વર્ષા સાથે ગાઢ ધૂંમ્મસ છવાયું, રોડ-રસ્તા ભીંજાતા આહ્લાદક વાતાવરણ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાકળ વર્ષા સાથે ગાઢ ધૂંમ્મસ છવાયું, રોડ-રસ્તા ભીંજાતા આહ્લાદક વાતાવરણ

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું જોર વધી રહ્યું છે, ત્યાં ફરી વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે.  સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી મોડી સવાર સુધી ગાઢ ધુમ્મસ સાથે ઝાકળ વર્ષા થઇ હતી. દરીયાઇ ભેજવાળા પવનો ફુંકાતા શુક્રવારે સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ હવામાં ભેજ 90 થી 100 ટકા નોંધાતા ગાઢ ધુમ્મસ છવાયુ હતું. ધુમ્મસના પગલે ઠંડીમાં ઘટાડો  થયો હતે. અને મોટા ભાગનાં સ્થળોએ સવારનું તાપમાન ઉંચકાયુ હતું. અને અનેક સ્થળોએ આહલાદક વાતાવરણ છવાયું હતું. હાઇવે તથા શહેરોનાં રાજમાર્ગો ઉપર ધુમ્મસનાં પગલે વાહન ચાલકોને દુરના દ્રશ્યો નિહાળવામાં ભારે મુશ્કેલી પડી હતી. તેમજ ગાઢ ધુમ્મસની સાથોસાથ મોડી સવાર સુધી સુર્યદેવતાના દર્શન થયા ન હતા સવારે 9 વાગ્યા બાદ ધુમ્મસ વિખેરાતા સુર્યદેવતાના દર્શન થયા હતા.

સૌરાષ્ટ્રમાં શિયાળાની ઋતુ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કરાવી રહી છે. ત્યારે ગોંડલમાં આજે વહેલી સવારથી જ ઝાકળ વર્ષા થતાં રોડ-રસ્તાઓ ભીંજાય ગયા હતા. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં પણ છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો ચમકારો વર્તાયો છે,  ત્યારે આજે વહેલી સવારે જાહેર રોડ રસ્તા ઉપર પણ ઝાકળ વર્ષાથી ભીના બની ગયા હતા. આમ આ રીતે ઠંડીમાં વધુ એક ઝાંકળ વરસાદ વરસતા વાતાવરણ પણ ખુશનુમા  જોવા મળ્યું હતું . હાલમાં ખેડૂતો માટે પણ ઝાકળ વરસાદ સારી કહેવાય તેવું ખેડૂતો કહી રહ્યા છે અને સામાન્ય રીતે શિયાળુ પાકને પણ ફાયદાકારક ગણવામાં આવી રહ્યું છે વહેલી સવારે સૂર્યનારાયણ ઉગે એ પહેલા રોડ રસ્તાઓ પર પણ ધુમ્મસ છવાયેલું જોવા મળતું હતું.

હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ  પશ્ચિમનાં ભેજવાળા દરિયાઇ પવનોની અસર રાજયભરમાં દેખાઇ હતી અને ઠેર ઠેર મોડી સવાર સુધી ગાઢ ધુમ્મસ છવાયુ હતું. સાથોસાથ ઠંડી સાવ ગાયબ થઇ ગઇ હતી અને લઘુતમ તાપમાનમાં વધારો થયો હતો. આજે સવારે રાજકોટ શહેરમાં 98 ટકા ભેજ સાથે લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયુ હતું. તેમજ અમદાવાદમાં આજે સવારે 14.4 ડિગ્રી, અમરેલીમાં 15.7, વડોદરામાં 14.4, ભાવનગરમાં 16.ર અને ભુજમાં 16.3 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું. તેમજ આજે સવારે ડિસામાં 15.8 ડિગ્રી, દિવમાં 12.8 ડિગ્રી, દ્વારકામાં 21.5 ડિગ્રી તથા ગાંધીનગરમાં 13.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જયારે  સવારે કંડલા ખાતે 15, નલિયામાં 12.6, ઓખામાં 22.1, પોરબંદરમાં 17.8, સુરતમાં 15.6 તથા વેરાવળ ખાતે 16.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
સૌરાષ્ટ્રમાં આજે સવારે આહલાદક અને મોસમની પ્રથમ ઝાકળ વર્ષા થઇ હતી. સવારે 7 વાગ્યા બાદ ધુમ્મસ વધવા લાગ્યુ હતુ અને રાજમાર્ગો પર ફૂલગુલાબી વાતાવરણ દેખાયું હતું. રાજકોટ, ગોંડલ, વઢવાણ, કચ્છ સુધીના નગરોમાં મોડેથી સૂર્યદેવના દર્શન થયા હતા. લોકોએ સવારમાં આ શિયાળાની હુંફભરી સવારની મજા માણી હતી જે તસ્વીરમાં જોવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code