
ભૂલકણાં પેસેન્જરો માટે રેલવેની યોજના “અમાનત”, હવે ભૂલાયેલા લગેજની વિગતો વેબસાઈટ પર મળશે
અમદાવાદઃ ટ્રેનોમાં મુસાફરી કરતા ઘણાબધા પ્રવાસીઓ પોતાનો સામાન કે ચીજ-વસ્તુઓ ટ્રેનમાં ભુલી જતા હોય છે. આવા ભુલકણાં મુસાફરોને તેમનો સામાન પરત મળી રહે તે માટે રેલવે સત્તાધિશો દ્વારા આયોજન કર્યું છે. રેલવે દ્વારા હવે ટ્રેનોમાં કે રેલવે સ્ટેશન પરથી બીનવારસી માલ-સામાન મળે અથવા કોઈ કિમતી વસ્તુ મળે તો તેની વિગતો રેલવેની વેબસાઈટ પર મુકવામાં આવશે. કે જેથી ભૂલકણી પ્રવાસીઓ પોતાનો સામાન પરત મેળવી શકે.
સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવેના સુરક્ષા વિભાગ દ્વારા મુસાફરોના સામાનની સુરક્ષા વધારવા અને મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન જલ્દી પરત મળે એ માટે ‘મિશન અમાનત’ શરૂ કરાયું છે. મિશન અમાનત હેઠળ હવે મુસાફરોના ખોવાયેલા સામાનની તમામ વિગતો wr.indianrailways.gov.in પર સામાનના ફોટો સાથે અપલોડ કરવામાં આવશે.
મુસાફરો પોતાના ખોવાયેલા સામાન વિશેની માહિતી વેબ પર જઈને ચેક કરી શકશે.ખોવાયેલો સામાન રેલવેને મળ્યો છે કે નહીં એ પણ ખ્યાલ આવી જશે.વધુમાં સામાન કયા રેલવે સ્ટેશનના લોસ્ટ પ્રોપર્ટી ઓફીસમાં છે એ પણ જાણી શકાશે.મુસાફરને પોતાનો સામાન મેળવવા માટે પોતાના ડોક્યુમેન્ટ સાથે જે તે રેલવે સ્ટેશને જઈ સામાન મેળવવાનો રહેશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વર્ષ 2021માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં પ.રેલવેના આરપીએફ દ્વારા 1317 મુસાફરોના 2.58 કરોડ રૂપિયાની કિંમતનો સામાન પરત કરવામાં આવ્યો હતો. આર.પી.એફ દ્વારા રેલવેની હદમાં ગુનાખોરી રોકવા, મુસાફરોની સુરક્ષા કરવા ઉપરાંત મુસાફરોના માલ સામાનનું રક્ષણ અને માલ સામાન પરત કરવાનું પણ કામ કરવામાં આવે છે.