1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાઈબ્રન્ટ સમિટમાં અઢળક રોકાણો થતાં પાંચ વર્ષમાં ‘વિકસિત ગુજરાત’ બની જશે : રાજ્યપાલ
વાઈબ્રન્ટ સમિટમાં અઢળક રોકાણો થતાં પાંચ વર્ષમાં  ‘વિકસિત ગુજરાત’ બની જશે : રાજ્યપાલ

વાઈબ્રન્ટ સમિટમાં અઢળક રોકાણો થતાં પાંચ વર્ષમાં ‘વિકસિત ગુજરાત’ બની જશે : રાજ્યપાલ

0
Social Share

ગાંધીનગરઃ આઝાદીના અમૃતકાળનો આરંભ થયો છે. વર્ષ 2047  સુધીમાં ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાનું લક્ષ્ય છે, પરંતુ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા જોતાં લાગે છે કે, ગુજરાતે ‘વિકસિત ગુજરાત’ બનવા માટે વર્ષ 2047  સુધી પ્રતીક્ષા નહીં કરવી પડે, આગામી પાંચ વર્ષમાં ગુજરાત ‘વિકસિત’ થઈ જાય એવું આયોજન છે. આગામી પાંચ વર્ષમાં ગુજરાત દેશને પ્રેરણા આપનારું રાજ્ય બની રહેશે, એમ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમના પ્રથમ એક્સ્પો અને એવૉર્ડ વિતરણ સમારોહમાં કહ્યું હતું.

વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે સક્રિય ગુજરાતના લોહાણા સમાજે વિદેશમાં પણ સફળતા મેળવી છે. લોહાણા સમાજ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ, નેટવર્કિંગ, વ્યાપાર અને મૂડી રોકાણના અવસરો સર્જાય એવા આશય સાથે ગાંધીનગરમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમના પ્રથમ એક્સ્પો 2024નું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતની અને દેશની કાયાપલટ કરવાનું મહાઅભિયાન છે. આ માટે ગુજરાત હંમેશા પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીનું આભારી રહેશે. તેમના સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાથી ભારત ન માત્ર આત્મનિર્ભર બની રહ્યું છે, પરંતુ રાષ્ટ્રની ગરિમા અને ગૌરવમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. આજે ભારત બુલેટ ટ્રેનની ગતિએ પ્રગતિ કરી રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથોસાથ કરોડો પરિવારો ગરીબી રેખાની બહાર આવી રહ્યા છે.

ગુજરાતના લોહાણા સમાજે મહેનત અને કઠિન તપસ્યાથી વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે દેશ-વિદેશમાં સફળતા મેળવી છે. જ્યારે વેપાર કે ઉદ્યોગ સફળ થાય છે ત્યારે અનેક પરિવારોના ઘરમાં દીવો પ્રગટે છે, અનેક જીવન સુખી અને સરળ બને છે. લોહાણા સમાજ કર્મયોગી સમાજ છે. જ્યારે પ્રતિભા અને કર્મ જોડાય છે ત્યારે લક્ષ્યપ્રાપ્તિ સરળ બની જાય છે. કાર્ય માત્ર મનોરથથી સિદ્ધ નથી થતાં, એ માટે મહેનત કરવી પડે છે. લોહાણા સમાજે તાકાત, હિંમત, ઊર્જા, પ્રતિભા અને પરિશ્રમથી એક વત્તા એક – અગિયાર કરી દેખાડ્યા છે. ભારતને આત્મનિર્ભર બનાવવામાં લોહાણા સમાજ પણ મહત્વનું યોગદાન આપે તેવી અભિલાષા સાથે તેમણે લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમના એક્સપો 2024 ની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.

જાણીતા ફિલ્મ અભિનેતા અને વ્યવસાયી  વિવેક ઓબેરોય પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.  વિવિધ ક્ષેત્રોમાં સફળ થયેલા લોહાણા શ્રેષ્ઠિઓને 18 કેટેગરીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે લોહાણા મહાપરિષદના અધ્યક્ષ  સતીશ વિઠલાણી, લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમના ડાયરેક્ટર  વિજય કારિયા, લોહાણા મહાપરિષદના પૂર્વ અધ્યક્ષ અને ટ્રસ્ટી  પ્રવીણ કોટક તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code