1. Home
  2. ગુજરાતી
  3. DGCAની એરલાઈન્સને ખાડી દેશોના હવાઈ માર્ગો ટાળવા સૂચના
DGCAની એરલાઈન્સને ખાડી દેશોના હવાઈ માર્ગો ટાળવા સૂચના

DGCAની એરલાઈન્સને ખાડી દેશોના હવાઈ માર્ગો ટાળવા સૂચના

0
Social Share

નવી દિલ્હી, 20 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર જોવા મળી રહી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ દેશની તમામ એરલાઈન્સને ખાડી દેશોના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ટાળવા અને સુરક્ષા જોખમનું મૂલ્યાંકન કરીને તાત્કાલિક ધોરણે ‘કન્ટિન્જન્સી પ્લાન’ (આકસ્મિક યોજના) તૈયાર રાખવા નિર્દેશ આપ્યા છે. મુસાફરો અને ફ્લાઈટ્સની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈરાન અને ઈરાકના હવાઈ ક્ષેત્ર પરના પ્રતિબંધોને કારણે એર ઈન્ડિયાને યુરોપ અને અમેરિકા જવા માટે લાંબા અને વૈકલ્પિક માર્ગો અપનાવવા પડી રહ્યા છે. આના પરિણામે ફ્લાઈટના સમયમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, DGCA એ એર ઈન્ડિયાને ફ્લાઈટ ડ્યુટીના ધોરણોમાં હંગામી છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી એર ઈન્ડિયા આ રાહતનો લાભ લઈ શકશે, જેથી લાંબા રૂટ પર પાઈલટ અને ક્રૂ મેમ્બર્સના કામના કલાકોનું સંચાલન થઈ શકે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, “સરકાર પશ્ચિમ એશિયા ક્ષેત્રની મુસાફરીને સુગમ બનાવવા માટે એરલાઈન્સ સાથે સતત સંપર્કમાં છે. આ ક્ષેત્ર યુરોપ અને અમેરિકા જવા માટેનો અત્યંત મહત્વપૂર્ણ હવાઈ માર્ગ છે અને અહીંથી મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે.” તેમણે સ્વીકાર્યું હતું કે વર્તમાન સ્થિતિ અત્યંત પડકારજનક છે કારણ કે કેટલાક વિદેશી એરપોર્ટ હાલ બંધ છે, જે સ્થિતિને જટિલ બનાવી રહ્યા છે. તેમ છતાં, મંત્રાલય સેવાઓ સુચારુ રાખવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.

પશ્ચિમ એશિયામાં સંઘર્ષની શરૂઆત 28 ફેબ્રુઆરીએ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યા બાદ થઈ હતી. આ ઘટના પછી અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો ટકરાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ ઈરાન યુદ્ધ રોકવા એન્ટોનિયો ગુટેરેસની અમેરિકા-ઈઝરાયેલને અપીલ, વૈશ્વિક અર્થતંત્ર પર મોટા જોખમની ચેતવણી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code