
હિમાચલમાં ડીઝલ થયું મોંઘુ,સુખુ સરકારે બીજી વખત વધાર્યા ભાવ
- સુખવિંદર સિંહ સુખુના નેતૃત્વવાળી સરકારે આપ્યો ઝટકો
- હિમાચલ પ્રદેશમાં ડીઝલના ભાવમાં થયો વધારો
- સુખુ સરકારે બીજી વખત કર્યો ભાવ વધારો
શિમલા : હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની તબાહીમાંથી બહાર આવી રહેલા હિમાચલ પ્રદેશના લોકોને મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુના નેતૃત્વવાળી સરકારે એક ઝટકો આપ્યો છે. સુખુ સરકારે ડીઝલ પર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.
ડીઝલ પર વેટના સુધારા અંગે શુક્રવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે શુક્રવાર મધરાતથી લાગુ થઇ ગયું છે. નોટિફિકેશન મુજબ, રાજ્ય સરકારે ડીઝલ પરનો વેટ 9.96 ટકાથી વધારીને 13.9 પ્રતિ લિટર કર્યો છે. આ વધારા બાદ ડીઝલ પર વેટ જે પહેલા 7.40 રૂપિયા પ્રતિ લીટર હતો તે હવે 10.40 રૂપિયા પ્રતિ લીટર થશે. આ સાથે રાજ્યમાં ડીઝલની કિંમત હાલના રૂ. 86 થી વધીને રૂ. 89 પ્રતિ લીટર થશે.
સુખુ સરકારે સત્તામાં આવ્યા બાદ ડીઝલ પર બે વખત વેટ વધાર્યો છે. અગાઉ આ વર્ષે 7 જાન્યુઆરીએ ડીઝલ પર વેટમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે સુખુ સરકારે ડિસેમ્બર 2022માં સત્તા સંભાળી ત્યારે ડીઝલ પરનો વેટ 4.40 રૂપિયા પ્રતિ લિટર હતો, જે હવે વધીને 10.40 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
હિમાચલની અગાઉની ભાજપ સરકારે નવેમ્બર 2021માં પેટ્રોલ અને ડીઝલ પર અનુક્રમે 7.5% અને 8% વેટ ઘટાડીને જનતાને રાહત આપી હતી. ત્યારે વેટમાં ઘટાડાથી રાજ્યમાં પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું હતું, પરંતુ સુખુ સરકારના આ નિર્ણયને કારણે ડીઝલના ભાવમાં વધારો થયો છે.