1. Home
  2. ગુજરાતી
  3. મોડાસામાં જર્જરિત મકાનો: નોટિસ સુધી જ સીમિત તંત્ર?
મોડાસામાં જર્જરિત મકાનો: નોટિસ સુધી જ સીમિત તંત્ર?

મોડાસામાં જર્જરિત મકાનો: નોટિસ સુધી જ સીમિત તંત્ર?

0
Social Share

હેમંત પરમાર, અરવલ્લી જીલ્લો.

મોડાસા, 17 માર્ચ, 2026 – મોડાસા શહેરમાં અનેક એવા મકાનો છે, જે આજે જર્જરિત અવસ્થામાં ઊભા રહીને ખતરાની ચેતવણી આપી રહ્યા છે. દિવાલોમાં પડેલા ચીરણ અને નબળી બનેલી રચનાઓ સ્પષ્ટ બતાવે છે કે આ મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. પરંતુ સૌથી વધુ જોખમ માત્ર આ મકાનોમાં રહેતા લોકોને જ નથી, પરંતુ આજુબાજુ રહેતા પરિવારો માટે પણ છે. કારણ કે જ્યારે આવા મકાનો તૂટી પડે છે, ત્યારે તેની ઝપટમાં આસપાસના મકાનો અને લોકો જ આવે છે અને ગંભીર જાનમાલનું નુકસાન સર્જાય છે.

Dilapidated houses in Modasa
Dilapidated houses in Modasa

આ મુદ્દે મોડાસા નગરપાલિકાના અધિકારી હેમરાજ વાઘેલાને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે દર વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન આવા જર્જરિત મકાનોને નોટિસ ઇશ્યૂ કરવામાં આવે છે. એટલે કે તંત્રને ખતરાની જાણ છે અને તે કાગળ પર કાર્યવાહી પણ કરે છે. પરંતુ સવાલ એ છે કે શું માત્ર નોટિસ આપવાથી જોખમ દૂર થઈ જાય?

નગરપાલિકા ચીફ ઓફિસર ભદ્રેશ પટેલના જણાવ્યા અનુસાર, નોટિસ ઇશ્યૂ કર્યા પછી આગળ કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવતી નથી. કારણ તરીકે તેઓ જણાવે છે કે મકાન તોડવા માટે જે ખર્ચ થાય છે, તેની સામે મળતી રકમ ૫૦-૬૦ વર્ષ જૂના દર મુજબ નક્કી થયેલી છે, જે આજના સમયમાં પૂરતી નથી. પરિણામે તંત્ર હાથ બાંધીને બેઠું રહે છે અને જોખમ યથાવત્ રહે છે.

Dilapidated houses in Modasa
Dilapidated houses in Modasa

આ પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે નગરપાલિકા માત્ર નોટિસ આપીને પોતાની ફરજ પૂર્ણ થઈ ગઈ હોવાનો આત્મસંતોષ મેળવી લે છે. પરંતુ નાગરિકોની સુરક્ષા માટે શું આ પૂરતું છે? શહેરમાં ખંડેર સમાન મકાનો ઊભા હોય અને લોકો રોજ જોખમ સાથે જીવે, ત્યારે માત્ર કાગળ પરની કાર્યવાહી કેટલા દિવસ ચાલશે?

આ સમગ્ર પરિસ્થિતિમાં એક સીધો સવાલ ઉભો થાય છે કે શું મોડાસા નગરપાલિકા માટે નોટિસ આપવી જ અંતિમ જવાબદારી છે? હવે નિર્ણય તંત્રનો છે, પરંતુ સમય ચોક્કસ રીતે હાથમાંથી સરકી રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code