
અમદાવાદમાં LD એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનમાં ગંદકી, ખાદ્ય વસ્તુઓમાં જીવાંત, 10 હજારનો દંડ
અમદાવાદઃ શહેરમાં રેસ્ટોરન્ટ્સ, હોટલો અને ખાણીપીણીના સ્થળોએ ગંદકી તેમજ ખાદ્ય વસ્તુઓમાં સ્વચ્છતા ન રાખનારા સામે કડક પગલા લેવાની મ્યુનિ.કમિશનરે સુચના આપ્યા બાદ એએમસીના ફૂડ વિભાદ દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં બે વખત ચેકિંગ બાદ લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બાદ શુક્રવારે ફરી એલડી એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનમાં અસ્વચ્છતા, ગંદકી, અને ખાદ્યચીજોમાં જીવાતો જોવા મળી હતી. હોટલના રસોડામાં ગંદકીના કારણે ખાદ્ય ચિજ-વસ્તુઓમાં જીવાત વગેરે વસ્તુ પડી જતી હોય છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઇ અને કોલેજની કેન્ટીનને રૂ. 10000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં મ્યુનિ.ના ફુડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટ્સ, હોટલો અને ખાદ્ય-વસ્તુઓનું વેચાણ થયુ હોય તેવા સ્થળોએ ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનમાં ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓમાં જીવાત જોવા મળતા અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. કઠોળમાં પણ જીવાત જોવા મળી હતી જેથી ફૂડ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઇ અને કોલેજની કેન્ટીનને રૂ. 10000નો દંડ ફટકારવામાં આવ્યો છે. શહેરની LD એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા કેન્ટીનમાં જમવાની અને સ્વચ્છતાને લઈને ગણા સમયથી ફરિયાદો ઉઠી હતી. કેન્ટીનમાં ખાવાપીવાની ચીજવસ્તુઓ બિનઆરોગ્યપ્રદ હોવા અંગેની જાણકારી મળી હતી, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને ફરિયાદ કરવામાં આવી હતી. શુક્રવારે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કેન્ટીનમાં વિદ્યાર્થીઓ માટે જે જમવાનું બનાવવામાં આવે છે, તેમાં કઠોળ-ચણા વગેરે ખાદ્યપદાર્થોમાં જીવડા જોવા મળ્યા હતા. આ ઉપરાંત રસોડામાં ગંદકી જેવું પણ જોવા મળી હતી. જેના પગલે ફૂડ વિભાગની ટીમે તમામના સેમ્પલ લીધા હતા અને કેન્ટીનને ₹10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.