
અમદાવાદઃ પ્રકાશના પર્વ ગણતા દિવાળીના પર્વનો શુભારંભ ધનતેરસથી શરૂ થઈ જાય છે. એટલે હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે દિવાળીની ખરીદી માટે બજારોમાં હૈયેહૈયું દળાય તેટલી ભીડ જોવા મળી રહી છે. લોકો છેલ્લી ઘડીએ ખરીદી માટે ઉમટી પડ્યા છે. અમદાવાદના ત્રણ દરવાજા, ગાંધી રોડ. માણેક ચોક, રિલીફ રોડ. તેમજ વિવિધ વિસ્તારોમાં આવેલા શો રૂમ્સ અને દુકાનોમાં ખરીદદારોની ભાડ જોવા મળી રહી છે, માત્ર અમદાવાદ જ નહીં રાજકોટ સુરત, વડોદરા, ભાવનગર સહિત તમામ મહાનગરો અને નાના શહેરોમાં પણ લોકો દિવાળીના પર્વને ઉત્સાહથી મનાવવા માટે ખરીદી કરતા જાવા મળી રહ્યો છે.
દિવાળીના તહેવારોને આડે હવે બે દિવસો બાકી છે. બજારમાં તૈયાર વસ્ત્રોના વેચાણમાં પણ ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને બાળકોના તૈયાર વસ્ત્રોના વેચાણમાં ભારે ઉછાળો આવ્યો છે. ઉપરાંત મહિલાઓ પણ મોટી સંખ્યામાં તૈયાર પરિધાનો ખરીદવા માટે બજારમાં ઉમટી હોવાનું રીટેઇલના વિક્રેતાઓ જણાવી રહ્યા છે. ગત વર્ષ’કરતા આ વર્ષે તૈયાર પરિધાનનું માર્કેટ સારું નોંધાયું છે, તેમજ ઘર સજાવટ માટે વિવિધ ચિજ-વસ્તુઓનું પણ સારૂએવુ વેચાણ થઈ રહ્યુ છે.
સુરતના ગારમેન્ટના વેપારીઓના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારને લઇ કાપડ બજારમાં ભીડ જામી છે. રક્ષાબંધનથી તૈયાર વસ્ત્રોમાં ખરીદી સારી નીકળી છે. બજારમાં નાના દુકાનદારોને વેપાર ખુબ સારો થઇ રહ્યો છે. બાળકોના તૈયાર વસ્ત્રોમાં નવી ફેન્સી ડીઝાઇન સાથે રૂપિયા 300થી 1000 હજાર સુધીના વસ્ત્રોમાં વેચાણ થઇ રહ્યું છે. આ વર્ષે ચોમાસા દરમિયાન સેલના પાટીયા લગાવવાથી તૈયાર વસ્ત્રોના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. ઘણા વેપારીઓ જૂનો સ્ટોક પણ સસ્તા ભાવે વેચાણ કરી પૂર્ણ કરી રહ્યા છે. શો-રૂમો કરતા રિટેલ દુકાનો પર ઘરાકી વધુ જોવા મળી રહી છે. પુરુષોમાં નવરાત્રિથી ફેન્સી કુર્તાનું વેચાણ વધુ શરૂ થયું હતુ.. દિવાળીના છેલ્લા દિવસ સુધી ઘરાકી રહેશે. એવું માનવું છે. બે વર્ષથી કોરોનાને કારણે સુરત શહેરના કાપડ રીટેલ બજારોમાં ધંધો સારો થયો ન હતો. આ વખતે લગ્નસરાની સિઝન પણ નિષ્ફળ જતા વિક્રેતાઓને ખોટ ગઇ હતી. જોકે, દિવાળીના તહેવારમાં મોટાભાગના રિટેલ બજારોમાં ઘરાકી દેખાઇ રહી છે.
ગારમેન્ટના વિક્રેતાના રહેવા મુજબ સુરત શહેરમાં રેડિમેઇડ ગારમેન્ટમાં તહેવારોને લઇ વેચાણમાં વધારો થઇ રહ્યો છે. વેપારીઓના જૂના સ્ટોકનો ભરાવો ઝડપથી પૂર્ણ થઇ રહ્યો છે. રિટેલ માર્કેટ વેપારી પાસે જુનો સ્ટોક નીકળે તો જ આગામી લગ્નસરામાં ગ્રાહક માટે નવા સ્ટોકની વ્યવસ્થા કરી શકીશું.
શ્રાવણ માસ ચાલુ થાય ત્યારથી ખરીદીનો ધમધમાટ ચાલુ થાય છે. દિવાળીના તહેવારની બજારમાં ભીડ જામી છે. આ સમયે લોકો બધા જ પ્રકારની ખરીદી કરતા હોય છે. જોકે, બે વર્ષથી ગારમેન્ટ ક્ષેત્રે ખરીદી સારી ન હતી. તેની સરખામણીએ હાલ સારા પ્રમાણમાં વેચાણ થઇ રહ્યું છે. તૈયાર વસ્ત્રોમાં રૂપિયા 300થી લઇને 3000 હજાર સુધીની ખરીદી બજારમાં જોવા મળી રહી છે. ઘણા લોકો આખા વર્ષ દરમિયાનની વસ્ત્રોની ખરીદી દિવાળીના સમયમાં એક વાર ખરીદી કરતા હોય છે. જેના લાભ વેપારીઓને દિવાળીના સમયમાં મળે છે.