
અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયાકાંઠો આવેલો છે. ત્યારે છેલ્લા વર્ષોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. રાજ્યમાં ડ્રગ્સનો કારોબાર વધતો છે. ત્યારે DRIએ બાતમીને આધારે વલસાડના વાપી ખાતેની જીઆડીસીના એક યુનિટમાં રેડ પાડીને રૂપિયા 180 કરોડની કિંમતનો કુલ 121.75 કિલો મેફેડ્રોન પ્રવાહી જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ DRI મુંબઈ, અમદાવાદ, સુરત અને વાપીની ટીમની મદદથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) હેઠળ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી GIDCમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું. જેમાંથી મેફેડ્રોનના ગેરકાયદે ઉત્પાદન સાથે સંકળાયેલા મેસર્સ પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ નામની જીઆઇડીસી વાપીમાં આવેલી ફેક્ટરી શોધી કાઢી હતી. DRIએ GIDC વાપીમાં નાર્કોટીક્સના ઉત્પાદન સાથે સંકળાયેલી બીજી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સુરત અને વલસાડની ફોરેન્સિક સાયન્સ લેબની ટીમે ફેક્ટરીમાંથી મળી આવેલા શંકાસ્પદ માદક પદાર્થમાં મેફેડ્રોન હોવાનો રિપોર્ટ આપતાં જ ફેક્ટરીમાંથી કુલ 121.75 કિલો મેફેડ્રોન પ્રવાહી સ્વરૂપે કબ્જે કરવામા આવ્યું છે. આ સાથે જ ફેક્ટરીમાંથી પકડાયેલા એક આરોપીનાં રહેણાંક જગ્યાની તપાસ કરતા આશરે 18 લાખની ભારતીય ચલણની નોટો રિકવર કરવામાં આવી હતી.
આ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોનું ગેરકાયદેસર બજાર મૂલ્ય રૂ. 180 કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. NDPS એક્ટ, 1985ની સંબંધિત જોગવાઇઓ હેઠળ રોકડ રકમ સાથે મળી આવેલા તમામ પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
બે અઠવાડિયા પહેલા DRIએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં એક કેમિકલ યુનિટમાં મેફેડ્રોનના ઉત્પાદન સાથે સંકળાયેલી સિન્ડિકેટનો વિસ્ફોટ કર્યો હતો. આ ઓપરેશનમાં 400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા અને મેફેડ્રોનના ઉત્પાદનમાં છૂપી રીતે સંકળાયેલી આવી 2 લેબ્સ શોધી કાઢવામાં આવી હતી. આમ DRIએ પાછલા 15 દિવસમાં આ પ્રકારની ત્રણ રેડ કરીને કરોડોની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
ગુજરાત ભલે દારૂબંધીના નામે ગર્વ લેતુ હોય, પરંતુ પોલીસ ચોપડે પુરાવા બોલે છે. છેલ્લા દોઢેક વર્ષમાં ગુજરાતના રસ્તે જેટલો ડ્રગ્સ આવ્યો છે તેટલો દેશના કોઈ રાજ્યમાં આવ્યો નહિ હોય. ગુજરાતમાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. ગુજરાતમાં સ્થિતિ એવી બદલાઈ છે કે ગુજરાતમાં હવે ડ્રગ્સ બનવા લાગ્યુ છે.