
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ગત વર્ષથી સારા ભાવ મળવાને લીધે ખેડુતોએ કપાસનું સારૂએવું વાવેતર કર્યું હતું. અને સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે કપાસનું વિપુલ ઉત્પાદન થયું છે. અને મોટી સંખ્યામાં ખેડુતો કપાસ વેચવા માટે માર્કેટ યાર્ડ્સમાં આવી રહ્યા છે. જોકે છેલ્લા બે-ચાર દિવસથી કપાસના ભાવમાં ઘટાડો થતાં માર્કેટયાર્ડ્સમાં કપાસની આવક ઘટી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ લખતર માર્કેટિંગ યાર્ડમાં કપાસની ખુલ્લી હરાજીમાં કપાસનાં ભાવ ઘટતા હવે યાર્ડમાં કપાસની આવક પણ ઓછી થતી હોય તેવો ઘાટ સર્જાયેલો છે. હજુ કપાસની સીઝન સંપૂર્ણપણે પૂર્ણ થઇ નથી. તેમ છતાં ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં કચવાટ છે. છેલ્લા 2 દિવસના અંતરમાં જ 400 મણ કપાસની આવક ઘટી ગઇ હતી. તો અમુક લોકો દ્વારા ભાવ ઊંચા જવાની રાહે કપાસ સ્ટોક રાખી મુક્યો તેવું પણ જાણવા મળે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હેઠળનું માર્કેટિંગ યાર્ડ વર્ષોથી સુમસામ હતું. જેને ધમધમતું બનાવવા સમિતિના ચેરમેન હિતેન્દ્રસિંહ રાણાએ કપાસની ખુલ્લી હરાજી ગત વર્ષે શરૂ કરાવી હતી. જેના કારણે ખેડૂતોને ઘણો ફાયદો થયો હતો. જેને ધ્યાને લઈને આ વર્ષે પણ ચેરમેન દ્વારા કપાસની ખુલ્લી હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં કપાસની વિપુલ માત્રામાં આવક થઇ હતી. ખેડૂતોને ભાવ પણ ઘણા સારા મળી રહ્યા હતા. બે દિવસ પહેલા મણે રૂ. 1950ના ભાવે 1200 થી 1500 મણ સુધીની કપાસની આવક થતી હતી. ત્યારે અચાનક કપાસનાં રૂ. 1750 થી 1780નો ભાવ નીચા જતા યાર્ડમાં કપાસની આવક 400 મણ જેટલી ઘટી હોય તેવો ઘાટ સર્જાયો છે. સામાન્ય રીતે જયારે આવક વધારે હોય ત્યારે ભાવ સામાન્ય રહેતા હોય છે. અને આવક ઘટે ત્યારે ભાવ વધતા હોય છે. પરંતુ અહીં કપાસની આવક ઘટતા ભાવ પણ ઘટ્યા છે.