
ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમની સપાટી 333 ફુટને વટાવી ગઈ, તાપી નદીમાં પાણી છોડાશે
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભથી સોરો એવો વરસાદ સમયાંતરે પડી રહ્યો છે. રાજ્યમાં કુલ 61 ટકા જેટલો સરેરાશ વરસાદ પડી ગયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 74.24 ટકા જેટલો વરસાદ પડ્યો છે. જોકે છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ બાદ મેઘરાજાએ પાંચેક દિવસથી વિરામ લીધો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થતો જાય છે. હાલ ડેમની સપાટી 333 ફુટને વટાવીને 334.01 સપાટીએ પહોંચી ગઈ છે. અને ફરીથી તાપી નદીમાં પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે. જો તાપી નદીમાં પાણી છોડવામાં આવશે તો સુરતના નિચાણવાળા વિસ્તારોને અસર થઈ શકે તેમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. તેથી શહેરીજનો અને ખેડૂતોને હાશકારો થયો છે. જોકે, ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે. આથી ડેમ રૂલ લેવલ 333 ફૂટને પાર કરીને 334.01 ફૂટની સપાટીએ પહોંચી ગયું છે. ઉકાઇ ડેમ રૂલ લેવલને પાર થતા ફરીથી મોટી માત્રામાં પાણીનો જથ્થો છોડવામાં આવે તો સુરતના નીચાણ વાળા વિસ્તારને અસર થઈ થઈ શકે. ભારે વરસાદ બાદ નવા વવાયેલા પાક અને ઉભા પાકને ઉઘાડની જરૂર રહેતી હોય છે. સૂર્ય પ્રકાશના કારણે પાકની વૃદ્ધિ સારી થતી હોય છે. ત્યારે ભારે વરસાદ બાદ જરૂરી સૂર્ય પ્રકાશ ઉભા પાકને મળી રહેતા હાલ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તથા ઉભા પાક માટે હાલનો સમય આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે.
ઉકાઈના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રનો હથનુર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને તેમાંથી સતત પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. આ પાણી સીધુ ઉકાઇ ડેમમાં આવી રહ્યું છે, જેના કારણે ઉકાઈની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટને પાર કરીને આજે 334.01 ફૂટ પર પહોંચી ગયું છે. બીજી તરફ પાણીની આવક 1,25,925 ક્યુસેક નોંધાઇ છે. ત્યારે ડેમમાંથી 53,712 પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ સુરતના સીંગણપુર કોઝવેની સપાટી 7.5 મીટર પર નોંધાઇ છે.