
અમદાવાદઃ ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં જ એસટી બસમાં પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગની અને ખાસ કરીને યાત્રાધામો અને પર્યટક સ્થળોએ જતી બસો હાઉસફુલ દોડી રહી છે. જેમાં દ્વારકા, સોમનાથ, દિવ, આબુ, નાથદ્વારા, સૂરત, નવસારી, ડાંગ, આહવા અને કચ્છ તરફ જતી બસોનું ઓનલાઇન બુકિંગ હાઉસફુલ થઇ જાય છે. આથી એસ ટી નિગમને દરરોજની અંદાજે 80 હજારની આવક થઈ રહી છે. એસટી નિગમના અધિકારીઓનું માનવું છે. કે, 10મી મે બાદ પ્રવાસી ટ્રાફિકમાં વધારો થશે.આથી એકસ્ટ્રા બસ દોડાવવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ નિગમ દ્વારા મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને લાંબા અને ટુંકા અંતરની બસો દોડાવવામાં આવી રહી છે. જેમાં લાંબા રૂટ્સ પર એસ ટીની સ્લિપર બસો અને એસી બસો દોડાવવામાં આવે છે. ત્યારે હાલમાં ઉનાળા વેકેશન હજુ પ્રારંભ થતાં પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસન સ્થળોએ દોડતી બસોમાં મુસાફરોનો ધસારો સારો એવા પ્રમાણમાં વધી રહ્યો છે. જેને પરિણામે અમદાવાદથી દોડતી વીસેક રૂટ્સ પરની બસોની સ્થિતિ હાઉસફુલ જેવી બની રહે છે. જોકે મોટાભાગની બસો ગાંધીનગર અને અમદાવાદ ડેપોમાંથી જ ભરાઇ જતી હોય છે. દ્વારકા જવા માટે દરરોજની ત્રણ બસો દોડાવવામાં આવે છે. સ્લિપર અને એસી બસોનું બુકિંગ હાઉસફુલ થઇ જાય છે. આ ઉપરાંત સોમનાથ, દિવ, ડાંગ, આહવા, કચ્છ, નવસારી, સૂરત, વડોદરા, આબુ અને નાથદ્વારાની બસોની સ્થિતિ હાઉસફુલ થઇ જાય છે. આથી એસ ટી નિગમને દરરોજની અંદાજે 80 હજારની આવક થાય છે. જોકે એસ ટી નિગમની એપના માધ્યમથી પણ મુસાફરો પોતાના મોબાઇલથી ઓનલાઇન બુકિંગ કરાવતા હોય છે. તેવા 50 ટકા જેટલા મુસાફરો મોબાઇલ એપથી બુકિંગ કરાવતા હોય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, લોકસભાની ચૂંટણીને લીધે શાળાઓ અને કોલેજોમાં ઉનાળું વેકેશનનો પ્રારંભ તારીખ 9મી, મે-2024થી થશે. આથી ઉનાળા વેકેશનમાં પરિવાર સાથે પ્રવાસન સ્થળોએ ફરવા જવા માટે એસ ટી બસનું ઓનલાઇન બુકિંગમાં 20 ટકા જેટલું બુકિંગ થઈ ગયુ છે. જેમાં રાજ્યના પ્રવાસન સ્થળોની સાથે સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના પ્રવાસન સ્થળોની ડિમાન્ડ ચાલુ વર્ષે વધુ રહેવાની શક્યતા છે.