
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 22 ફેબ્રુઆરીથી બે દિવસીય પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. અને વડાપ્રધાન રાજ્યના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ જોડાશે. જેને પગલે ગુજરાત વિધાનસભા બજેટસત્રની બેઠકો તા.22મી અને 23મી ફેબ્રુઆરીના રદ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને પગલે વિધાનસભા ગૃહની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આગામી 22 અને 23 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા બેઠક મળશે નહીં,
ગુજરાત વિધાનસભાનું હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરીથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા હોવાથી 22મી અને 23મી ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહની બેઠક મળશે નહીં, ગુજરાત વિધાનસભામાં સામાન્ય રીતે રોજ બે બેઠક મળે છે. આમ, 22-23 ફેબ્રુઆરીએ રદ કરાયેલી બેઠકમાંથી 2-2 બેઠક 27 અને 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે, જ્યારે 15 અને 16 ફેબ્રુઆરીના રોજ સવારે મળશે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પાંચ દિવસનો પરિક્રમા મહોત્સવ અને નવમો પાટોત્સવ ચાલી રહ્યો છે. દેશ-વિદેશમાંથી માઈભક્તો અંબાજી અને ગબ્બર ખાતે દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં 15મી ફેબ્રુઆરીએ ભાજપ-કોંગ્રેસના તમામ ધારાસભ્યો મા અંબાનાં દર્શન કરવા જશે. અંબાજી જતાં પહેલાં સવારે બજેટસત્રની બેઠક મળશે. અંબાજી માતાનાં દર્શનનું આયોજન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું છે. ધારાસભ્યો માટે 4 વોલ્વો બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતના વિસનગર પાસે આવેલા તરભ-વાળીનાથ મંદિરના શિવાલયના સ્થાપના સમારોહ માટે હાજર રહેશે. જ્યારે ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદો સહિત 700 જેટલા નેતાઓ આગામી 17 અને 18 ફેબ્રુઆરીએ દિલ્હી જશે.