1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વૈશ્વક બજારમાં આવેલી મંદીને કારણે કપાસના ભાવમાં કડાકો, સંકર રૂ માં ગાંસડીના ભાવ 10 હજાર ઘટી ગયા
વૈશ્વક બજારમાં આવેલી મંદીને કારણે કપાસના ભાવમાં કડાકો, સંકર રૂ માં ગાંસડીના ભાવ 10 હજાર ઘટી ગયા

વૈશ્વક બજારમાં આવેલી મંદીને કારણે કપાસના ભાવમાં કડાકો, સંકર રૂ માં ગાંસડીના ભાવ 10 હજાર ઘટી ગયા

0
Social Share

રાજકોટઃ આ વર્ષે કપાસના ખેડુતોને સારા ભાવ મળતા ખેડુતો ખૂશખૂશાલ બન્યા હતા. અને તેથી જ ખરીફ પાકમાં કપાસની વાવણી વધુ થઈ છે. ત્યારે વૈશ્વિક મંદીને લીધે હાલ કપાસના ભાવમાં લાગેલી તેજીએ બ્રેક લાગી છે. ગયા મહિને રૂની ગાંસડી ખાંડીએ સડસડાટ ગતિએ વધીને રૂ. 1.08 લાખ (350 કિલો) સુધી પહોંચી ગઇ હતી એમાં એકાએક ભાવ તૂટવા લાગતા હવે રૂ. 96,000-97500ના ભાવ થઇ ગયા છે. પખવાડિયામાં જ ગાંસડી રૂ. 10,500 જેટલી ઘટી ગયા છે. જો મંદી લાંબી ચાલી તો હજુપણ રૂના ભાવમાં ઘટાડો થઈ શકે તેમ છે, એવું વેપારીઓ માની રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રૂના ભાવમાં આસમાની  તેજી ન્યૂયોર્કના વાયદાને આભારી હતી એ જ રીતે મંદી પણ તેની અસરથી જ થઇ છે. સૌરાષ્ટ્ર જિનર્સ એસોસિયેશનના સૂત્રોના કહેવા મજબ, રૂના ભાવમાં ગાબડાં પડયા છે એનું કારણ વિદેશી બજારમાં આવેલી મંદીનું છે. ન્યૂયોર્કની અસરથી એમસીએક્સમાં ત્રણ દિવસથી મોટાં કડાકા બોલી ગયા હતા અને હાજરમાં જે સ્ટોકિસ્ટો કે જિનો પાસે રૂ પડયું છે તેમણે પણ ભાવ તોડવાની ફરજ પડી હતી. ન્યૂયોર્કમાં કોટન વાયદો તેજીમાં એક તબક્કે 154 સેન્ટ સુધી ઉંચકાયો હતો. જોકે હવે તે ઘટીને ઓક્ટોબરમાં 107 સેન્ટ સુધી આવી ગયો છે અને કેશ માર્કેટમાં 122-123 સેન્ટના ભાવ હતા. ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 104 સેન્ટ સુધી તૂટી ચૂક્યો છે.

જિનર્સ એસો.ના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, એમસીએક્સ વાયદો પણ રૂ.40 હજારની નજીક જઇ આવ્યો છે. જોકે  હવે કપાસનો જથ્થો પૂરો થવા આવતા મોટાભાગના જિનો બંધ થયા છે. હાલ માર્કેટ યાર્ડોમાં સૌરાષ્ટ્રભરમાં માંડ 10-12 હજાર મણની આવક થાય છે. કપાસનો ભાવ સરેરાશ રૂ. 1900-2475 સુધી પહોંચી ગયો છે. કપાસનો ભાવ એક તબક્કે રૂ. 2800 સુધી ગયો હતો. એ જોતા રૂ. 400 જેટલો ઘટાડો આવ્યો છે. છતાં રૂની ગાંસડી જેટલો ઘટાડો નથી. કપાસના વાવેતરનો સમય ચાલી રહ્યો છે પરંતુ વરસાદ ખેંચાઇ જતા ખેડૂતો ચિંતામાં પડી ગયા છે. ગુજરાતમાં આશરે સાતેક લાખ હેક્ટર સુધી વાવેતર પહોંચ્યું છે. જોકે એમાંથી મોટાંભાગનું આગોતરું વાવેતર છે. પાણીની સગવડ નથી એવા ખેડૂતો વરસાદની રાહે બેઠેલા છે. અલબત્ત જૂનના અંત સુધીમાં વાવણીલાયક સારો વરસાદ પડી જાય તો કપાસના વાવેતર વધશે એમાં બે મત નથી. આ વર્ષે કપાસનો વિસ્તાર 20 ટકા વધવાની ધારણા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code