
- ગોવા સહિતના બીચ તેમજ હિલ સ્ટેશન જવાનો પ્રવાસીઓમાં ક્રેઝ,
- ટ્રાવેલ્સ એજન્સીઓએ ટૂર પેકેજ જાહેર કર્યા,
- ગુજરાતીઓ સૌથી વધુ ફરવાના શોખીન
અમદાવાદઃ વાર-તહેવાર અને જાહેર રજાઓમાં ગુજરાતીઓ ફરવા માટેનો અગાઉથી પ્લાન બનાવી દેતા હોય છે. દેશમાં અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતના લોકો હરવા-ફરવાના સૌથી વધુ શોખીન ગણાય છે. જન્માષ્ટમીના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે 5 દિવસની રજાઓમાં લોકોએ પરિવાર સાથે ફરવા જવા માટે પ્લાન ઘડી રહ્યા છે. ફરવા જવા માટે માઉન્ટ આબુ, સાપુતારા, દીવ, ગોવા, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોની વધુ ઈન્કવાયરી આવી રહી હોવાનું ટ્રાવેલ્સ એજન્ટો કહી રહ્યા છે. આ ઉપરાંત દ્વારકા, સોમનાથ, અંબાજી સહિત ધાર્મિક સ્થળોની ઈન્કવાયરી પણ વધુ છે.
ગુજરાતમાં જન્માષ્ટમીના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. જેમાં સૌરાષ્ટ્રમાં ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. શનિ-રવિની રજા અને સોમવારે જન્માષ્ટમીની જાહેર રજા હોવાથી મિની વેકેશનનો માહોલ હોવાથી લોકોએ ફરવા જવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. રાજકોટમાં તો મોટા ભાગના વેપારીઓ જન્માષ્ટમીના પર્વમાં પોતાના ધંધા-રોજગાર બંધ રાખતા હોય છે તેમજ શાળા-કોલેજોમાં પણ રજા હોવાને બહારગામ ફરવા નીકળી પડતા હોય છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારના લોકો જન્માષ્ટમીનો મેળો માણવા માટે રાજકોટ શહેરમાં આવે છે. જ્યારે રાજકોટવાસીઓ આ રજા માણવા માટે પરિવાર સાથે એકાદ સપ્તાહની ટૂરમાં જતા હોય છે. આગામી જન્માષ્ટમીનાં બુકિંગ પણ એક મહિના પહેલાં શરૂ થઈ ચૂક્યાં હતાં.
અમદાવાદના ટ્રાવેલ્સ એજન્ટોના કહેવા મુજબ દીવ અને ગોવાના બીચ પર ફરવા જવાની ઈન્કવારીઓ વધુ હતી. પખવાડિયા પહેલા જ હોટલ અને ટ્રેનોના બુકિંગ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત માઉન્ટ આબુ, સાપુતારા સહિતના હિલ સ્ટેશનો ઉપરાંત મહાબળેશ્વર સહિત પ્રરપ્રાંતમાં આવેલા સ્થળોએ જવા માટેના બુકિંગ થઈ ગયા છે. જોકે હિમાચલ, ઉત્તરાખંડ, ચારધામમાં વરસાદને લઈ લોકો હજુ અવઢવમાં છે તેમજ વાયનાડમાં બનેલી ઘટનાને લઈને પણ લોકો સાઉથનો પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. આ સિવાયના સ્થળોએ ફરવા જવા માટેની ઇન્કવાયરી આવે છે,
અન્ય એક ટ્રાવેલ્સ એજન્સીના કહેવા મુજબ ગોવા ગુજરાતીઓ માટે 365 દિવસ હોટ ફેવરિટ ગણાય છે અને ત્યાંનાં બુકિંગ સારાં થઈ રહ્યાં છે. આ સિવાય ડોમેસ્ટિકમાં મહારાષ્ટ્રની ક્વેરી વધુ છે, જેમાં લોનાવલા, મહાબળેશ્વર જવામાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. જોકે જન્માષ્ટમીની રજાઓમાં ફરવા જનારાઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ ખાસ વધારો થયો નથી, પરંતુ ઘટાડો થવાની શક્યતા પણ જણાતી નથી. વરસાદી માહોલ હોવાથી હિમાચલ, કાશ્મીર, અને ચારધામ સહિતનાં સ્થળોએ જવાનું લોકો ટાળી રહ્યા છે, પરંતુ રજાઓમાં બહારગામ ફરવા જવાનો ઉત્સાહ લોકોમાં યથાવત્ જોવા મળી રહ્યો છે, જેમાં ડોમેસ્ટિકમાં ગોવા, મહાબળેશ્વર જેવાં સ્થળો હોટ ફેવરિટ છે. જ્યારે ઇન્ટરનેશનલ ટૂર માટે પણ લોકોની ઇન્કવાયરી ખૂબ સારી છે, જેમાં થાઈલેન્ડની ખૂબ સારી ડિમાન્ડ છે. આ ઉપરાંત દુબઇ અને વિયેતનામ જવાનું લોકો પૂછી રહ્યા છે. જ્યારે હંમેશાંની જેમ સિંગાપોર-મલેશિયાનાં પેકેજો લોકો બુક કરાવી રહ્યા છે રેલવેમાં બુકિંગ 4 મહિના પહેલાં ખૂલી જતું હોવાથી આ સમયનાં બુકિંગ માટે લોકોએ એપ્રિલના એન્ડથી તૈયારી શરૂ કરી દીધી હતી અને ઓલમોસ્ટ આ વખતે એક મહિના અગાઉથી એટલે કે જુલાઈ મહિનાથી જ ટ્રેનની ટિકિટો મળતી નહોતી. જ્યારે ફ્લાઈટ માટે પણ લોકો બે-થી ત્રણ મહિના અગાઉ બુકિંગ કરે છે, જેથી ટિકિટનું કોસ્ટિંગ પ્રમાણમાં થોડું સસ્તું મળી શકે છે. આ વર્ષે ફ્લાઈટ ટિકિટના ભાવમાં ખાસ કોઈ ફરક પડ્યો નથી. માત્ર ગોવા જેવાં સ્થળોએ જવાની ફ્લાઈટમાં સામાન્ય વધારો છે.