
- વાદળો ગોરંભાયા, બફારો વધ્યો પણ વરસાદ પડતો નથી,
- નવા રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી,
અમદાવાદઃ શ્રાવણ અડધો મહિનો પૂર્ણ થવા આવ્યો પણ વરસાદ પડતો નથી. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. જોકે. કેટલીક જગ્યાએ જરૂર છૂટો-છવાયો વરસાદ પડ્યો છે. આજે બપોર સુધીમાં માત્ર નવસારીમાં જ વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. વાદળો ગોરંભાયેલા છે, અને હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા બફારો પણ અનુભવાય રહ્યો છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં 21 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ આવશે. નવો રાઉન્ડ રાજ્યમાં સારો વરસાદ લાવી શકે છે
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 21 ઓગસ્ટથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. 21મીએ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ રહેશે. અને ઓગસ્ટના અંત સુધીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, શ્રીલંકા પાસે એક સિસ્ટમ બનશે તેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ આગળ વધીને અરબી સમુદ્ર આવશે અને મજબૂત થવાની શક્યતા વર્તાઈ રહી છે. સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર કે ડિપ્રેશન સુધી જઈ શકે છે. આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાત પર પણ થશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો છે. જોકે ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. ગઈકાલે જિલ્લાના 10 તાલુકામાંથી એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો. અડધો શ્રાવણ માસ વિતવા છતાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી, જયારે દિવસભર માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહ્યા હતા. તાપમાનનો પારો વધતો જાય છે જેના લીધી લોકો ગરમીથી અકળાયા હતા. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભાવનગર જિલ્લાના એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.