1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉનાળાની ઈફેક્ટ, શાકભાજીના ભાવ વધારો પણ ફ્રુટના ભાવમાં 20થી 30 ટકાનો થયો ઘટાડો
ઉનાળાની ઈફેક્ટ, શાકભાજીના ભાવ વધારો પણ ફ્રુટના ભાવમાં 20થી 30 ટકાનો થયો ઘટાડો

ઉનાળાની ઈફેક્ટ, શાકભાજીના ભાવ વધારો પણ ફ્રુટના ભાવમાં 20થી 30 ટકાનો થયો ઘટાડો

0
Social Share

રાજકોટઃ રાજ્યમાં તાપમાનમાં વધારો થતાં જ તમામ માર્કેટ યાર્ડ્સમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. તેની લીધે ભાવમાં વધારો થયો છે. તો બીજીબાજુ સફરજન, કાળી દ્રાક્ષ, પાકી કેરી, સંતરા, પપૈયા, નાસપતી, પાઈનેપલ, ચીકુ, તડબૂચ, કેળા વગેરે ફળોની આવકમાં વધારો થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. આમ શાકભાજી મોંધી અને ફળો સસ્તા થયાં છે.

માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વધતી જતી ગરમીને કારણે તમામ માર્કેટ યાર્ડોમાં લીલા  શાકભાજીની આવક ઘટી રહી છે. સાથે જ ગરમીના કારણે  શાકભાજીનો બગાડ પણ થઇ રહ્યો છે. બહારથી આવતા શાકભાજી ગરમીના કારણે બગડી રહ્યા છે. આથી આવક અને ભાવ પર સિધ્ધી અસર પડી છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજીમાંથી 5 થી 10 ટકા નુકશાન થઇ રહ્યું છે. લીલા વટાણા  જયપુરથી આવે છે.  યાર્ડ્સમાં માત્ર 20 ટકા જેટલી જ  લોકલ આવક હોય છે. અન્ય 80 ટકા ગુજરાતના વિવિધ તાલુકાઓ અને અન્ય રાજ્યોમાંથી આવે છે.  રાજકોટ યાર્ડમાં ગાજર, દુધી, કોબી, ફ્લાવર, બીટ વગેરે લોકલ આવક થઈ રહી છે. પણ આવકની સામે માગ વધુ હોવાથી શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજીબાજુ ફળોના ભાવમાં આવક વધુ હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ એપીએમસી માર્કેટમાં આવેલા ફ્રૂટ બજારમાં મોટાભાગના ફળોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સફરજન, કાળી દ્રાક્ષ, પાકી કેરી, સંતરા, પપૈયા, નાસપતી, પાઈનેપલ, ચીકુ, તડબૂચ, કેળા વગેરે ફળોના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે કોઈપણ વાર-તહેવાર આવે એટલે તેની સીધી અસર ફળોના ભાવ પર જોવા મળતી હોય છે. કારણ કે આ સમયે લોકો વ્રત-ઉપવાસ રાખતા હોય છે. જેમાં ખાસ કરીને ફળોનું સેવન કરવામાં આવે છે. તેથી આ દિવસોમાં ફળોના ભાવ સામાન્ય દિવસો કરતા વધી જાય છે. આ સાથે હવે ઉનાળાની ગરમી પણ આકરી બનતી જાય છે. પરંતુ અમદાવાદના ફ્રૂટ બજારમાં ફળોની આવકમાં વધારો થતા ફળોના ભાવમાં 20 થી 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

અમદાવાદ એપીએમસી, રાજકોટ અને ગોંડલ યાર્ડ સહિત તમામ યાર્ડમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. યાર્ડમાં લીંબુના ભાવ કિલોએ રૂા.70 થી 105 બોલાયા હતા. શાકભાજીની સરખામણીએ ફ્રૂટના ભાવ ઓછા છે. સખત ગરમીમાં ઠંડક આપતા તરબુચની પુષ્કળ પ્રમાણમાં આવક શરુ થઇ ચૂકી છે.

ત્યારબાદ દ્રાક્ષ, સકકરટેટીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. મેંગો માર્કેટમાં પણ હાફુસ કેરીની આવક વધી  છે. પરંતુ ભાવ હજુ વધારે છે. હાફુસ કેરી રૂા.50 થી 300ની કિલો ભાવે વેચાઇ રહી છે. આગામી 20 એપ્રિલ બાદ કેસર કેરીની આવક શરૂ થશે. ચીકુની આવક જુનાગઢના વંથલી ગામથી, તરબુચની આવક કચ્છ ઉપરાંત મહારાષ્ટ્ર, દ્રાક્ષની આવક મહારાષ્ટ્રના નાસીક અને સોલાપુરથી તો સક્કરટેટીની કચ્છના આજુબાજુના વિસ્તારોમાંથી થઇ રહી છે. ચીકુના હોલસેલ ભાવ રૂા.40 થી 50 તો બજાર ભાવ 60 થી 70, તરબુચ હોલસેલ ભાવ રૂા.15 તો બજાર ભાવ રૂા.20, દ્રાક્ષના હોલસેલ ભાવ રૂા.70 થી 80ને બજાર ભાવ 100 અને સકક્રટેટીના હોલસેલ ભાવ રૂા.25 તો બજાર ભાવ રૂા.35 થી 40 કિલો બોલાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code