1. Home
  2. Agency
  3. News
  4. નેપાળમાં GenZના હિંસક સત્તા પરિવર્તન પછી આજે યોજાઈ રહી છે ચૂંટણી, જાણો અહીં પૂરી વિગતો
નેપાળમાં GenZના હિંસક સત્તા પરિવર્તન પછી આજે યોજાઈ રહી છે ચૂંટણી, જાણો અહીં પૂરી વિગતો

નેપાળમાં GenZના હિંસક સત્તા પરિવર્તન પછી આજે યોજાઈ રહી છે ચૂંટણી, જાણો અહીં પૂરી વિગતો

0
Social Share

કાઠમંડુ, 5 માર્ચ, 2026: Elections in Nepal નેપાળમાં ગયા વર્ષે જેન-ઝીના હિંસક દેખાવો અને તેને પગલે થયેલા સત્તા પરિવર્તન પછી આજે 5 માર્ચને ગુરુવારે ચૂંટણી યોજાઈ રહી છે. દેશના વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીએ શાંતિપૂર્ણ મતદાન માટે નેપાળના નાગરિકોને અપીલ કરી છે.

ભારતના પાડોશી દેશમાં આજે યોજાઈ રહેલી આ ચૂંટણી અત્યંત ખાસ માનવામાં આવી રહી છે કારણ કે સપ્ટેમ્બર 2025માં યુવાઓના નેતૃત્વમાં થયેલા મોટા આંદોલન બાદ દેશમાં પ્રથમવાર મતદાન થઈ રહ્યું છે. તે આંદોલન ભ્રષ્ટાચાર, બેરોજગારી અને નબળા શાસન વિરુદ્ધ હતું. તે પ્રદર્શનોમાં 77 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને સરકારને રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ સંસદ ભંગ કરવામાં આવી અને 6 મહિનાની અંદર ચૂંટણી કરાવવાનું નક્કી થયું હતું.

નેપાળની વસ્તી અંદાજે 3 કરોડ છે, જેમાંથી લગભગ 1.89 કરોડ લોકો મતદાન કરવા માટે પાત્ર છે. અંદાજે 10 લાખ નવા યુવા મતદારો સામેલ છે. આ જ કારણે આ ચૂંટણીને ‘Gen Z ચૂંટણી’ પણ કહેવામાં આવી રહી છે. આ વખતે યુવાનોની ભૂમિકા સૌથી વધુ મહત્ત્વની માનવામાં આવે છે.

નેપાળની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો?

275 બેઠકો ધરાવતી નેપાળમાં પ્રતિનિધિ સભા માટે ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં 165 સાંસદો સીધા મતદાનથી અને 110 સાંસદો પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી (Proportional Representation)થી ચૂંટાશે. મેદાનમાં કુલ 6,541 ઉમેદવારો છે, જેમાં 4,380 પુરુષો અને 2,160 મહિલાઓ છે. મતદાન માટે દેશભરમાં 23,112 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

અહીંની ચૂંટણી પ્રણાલી મિશ્રિત છે, જેમાં દરેક મતદાર બે મત આપે છે: એક પોતાના વિસ્તારના ઉમેદવાર માટે અને બીજો પક્ષની યાદી માટે. બંધારણ મુજબ સંસદમાં મહિલાઓની ભાગીદારી ઓછામાં ઓછી ત્રીજા ભાગની હોવી જરૂરી છે, તેથી જ પ્રમાણસર પ્રતિનિધિત્વની યાદીમાં ઓછામાં ઓછા 50% ઉમેદવારો મહિલાઓ છે. આ સાથે દલિત, જનજાતિ, મધેશી, મુસ્લિમ અને અન્ય સમુદાયોને પણ પ્રતિનિધિત્વ આપવું અનિવાર્ય છે.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

ચૂંટણી માટે સુરક્ષા અત્યંત કડક રાખવામાં આવી છે. ચૂંટણી પંચે અંદાજે 3,40,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કર્યા છે. નેપાળ પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ અને સેના સંયુક્ત રીતે સુરક્ષા સંભાળી રહ્યા છે. અત્યાર સુધી નેપાળની રાજનીતિમાં નેપાળી કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી (UML)નો દબદબો રહ્યો છે, પરંતુ આ વખતે રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) સૌથી મજબૂત નવી શક્તિ તરીકે ઉભરી છે.

કોણ છે મુખ્ય ઉમેદવારો?

આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા રૅપરથી નેતા બનેલા 35 વર્ષીય બલેન્દ્ર શાહની છે. તેઓ અગાઉ કાઠમંડુના મેયર રહી ચૂક્યા છે અને હવે વડાપ્રધાનપદના દાવેદાર છે. તેઓ RSP તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો 74 વર્ષીય કેપી શર્મા ઓલી સાથે છે, જેઓ ચાર વખત વડાપ્રધાન રહી ચૂક્યા છે અને Gen Z આંદોલન બાદ સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. અન્ય મોટા ઉમેદવારોમાં નેપાળી કોંગ્રેસના ગગન થાપા અને માઓવાદી નેતા પુષ્પ કમલ દહલ સામેલ છે.

બલેન્દ્ર શાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 10 લાખથી વધુ, ફેસબુક પર 35 લાખથી વધુ અને એક્સ (Twitter) પર 4 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેઓ પોતાની જાતને જૂની રાજનીતિ સામે નવો અવાજ ગણાવે છે.

નેપાળમાં અગાઉની ચૂંટણીમાં મતદાનની ટકાવારી:
2008: 61.7%

2013: 78.3%

2017: 68.7%

2022: 61.4%

આ વખતે પણ સારા મતદાનની અપેક્ષા છે. નિષ્ણાતો માને છે કે કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળવી મુશ્કેલ છે, તેથી ત્રિશંકુ સંસદ અને ગઠબંધન સરકાર બનવાની શક્યતા વધુ છે. નેપાળમાં મતગણતરી હાથથી કરવામાં આવશે, તેથી અંતિમ પરિણામો આવતા લગભગ એક મહિનો લાગી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code