1. Home
  2. થાઇલેન્ડ: ચૂંટણીમાં હાર પછી પણ સૈન્ય શાસન જ રહેશે પદસ્થ

થાઇલેન્ડ: ચૂંટણીમાં હાર પછી પણ સૈન્ય શાસન જ રહેશે પદસ્થ

0

થાઇલેન્ડમાં થયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોનું એલાન કરી દેવામાં આવ્યું છે અને તેમાં કોઈ પાર્ટીને બહુમત મળી શક્યો નથી. દેશમાં 24 માર્ચના રોજ ચૂંટણી થઈ હતી અને 2014થી અહીંયા સૈન્ય શાસન લાગુ છે. સંસદીય ચૂંટણીમાં કોઈ પાર્ટીને બહુમત નથી મળ્યો, પરંતુ સૌથી વધુ સીટ્સ વિપક્ષે જીતી છે. તે છતાંપણ 2014 સૈન્ય તખ્તાપલટના નેતૃત્વકર્તા પ્રયુથ ચાન-ઓ-ચાને વડાપ્રધાન પદ પરથી હટાવવા સંભવ નથી.

પાછલા 2 વર્ષોમાં દેશના બંધારણમાં ફેરફાર કરીને એવી વ્યવસ્થા બનાવવામાં આવી છે કે પૂર્વ પીએમ થાકસિન શિનાવાત્રાના વિશ્વાસપાત્ર લોકોને સત્તમાં આવવાથી અટકાવવામાં આવે. થાઇલેન્ડમાં સરકારની રચના માટે સીનેટને ઘણી શક્તિઓ આપવામાં આવી છે અને 250 સભ્યોવાળી સીનેટ જ પોતાનો આગામી પીએમ પસંદ કરશે. તેનો સીધો અર્થ એ છે કે જો વિપક્ષને પૂર્ણ બહુમત નથી મળતો તો સૈન્ય શાસક માટે સત્તામાં પાછા ફરવું સરળ રહેશે.

થાઇલેન્ડના મુખ્ય વિપક્ષ ફીયુ થાઇએ 136 સીટ્સ મેળવી છે જ્યારે સૈન્ય સમર્થક પલંગ પ્રખરત પાર્ટીએ 115 સીટ્સ હાંસલ કરી છે. ફીયુ થાઇ પૂર્વ વડાપ્રધાન થાકસિન શિનાવાત્રા સાથે સંબદ્ધ છે, જેમના સહયોગીઓને 2014ના તખ્તાપલટમાં પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. ફીયુ થાઇ અને તેના ગઠબંધન સાથીદારોને નીચલા ગૃહમાં 500 સીટ્સમાંથી કુલ 245 સીટ મળવાની અપેક્ષા છે, જે બહુમત કરતા 6 સીટ્સ ઓછી છે. તે સરકાર બનાવવા કે આગામી વડાપ્રધાન ચૂંટવા માટે પર્યાપ્ત નહીં હોય. આ નિર્ણય સંસદના બંને ગૃહો દ્વારા કરવામાં આવશે. દેશની 250 સીટ્સવાળી સેનેટ સંપૂર્ણપણે સેના દ્વારા ચૂંટવામાં આવશે. નક્કી માનવામાં આવી રહ્યું છે કે સૈન્ય નેતા પ્રયુથ ચાન-ઓ-ચાને સત્તામાં ટકાવી રાખવા માટે મત આપશે.

થાઇલેન્ડના ચૂંટણીપંચે સીટ્સની વહેંચણીની પ્રક્રિયામાં પૂરતી પારદર્શિતા નથી રાખી. સંસદીય સીટોની વહેંચણીમાં દરેક પાર્ટીની ક્ષેત્રીય લોકપ્રિયતાને આધાર બનાવવામાં આવ્યો. સાથે જ પંચે એ પણ એલાન કર્યું કે વોટ પછી પણ સીટ્સની વહેંચણી કોઈપણ સમયે બદલી શકાય છે. જોકે ચૂંટણીપંચે આ વ્યવસ્થાને અપનાવવા પાછળ કોઈ તર્ક નથી આપ્યો.

LEAVE YOUR COMMENT