તેહરાન, 3 જાન્યુઆરી 2026: ઈરાનમાં મોંઘવારી, બેરોજગારી અને રાજકીય દમન વિરુદ્ધ શરૂ થયેલું જન-આંદોલન હવે હિંસક વળાંક લઈ રહ્યું છે. દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોના સાતમા દિવસે સ્થિતિ વધુ વણસી છે. આ દરમિયાન બ્રિટિશ સાંસદના એક ચોંકાવનારા દાવાએ ઈરાનના સત્તાધીશોમાં ફફડાટ ફેલાવી દીધો છે. દાવો કરવામાં આવ્યો છે કે, સરકાર પડી ભાંગવાના ડરે ઈરાનના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ હવે વિદેશમાં ‘સેફ લેન્ડિંગ’ (સુરક્ષિત આશ્રય) માટે ગુપ્ત તૈયારીઓ કરી રહ્યા છે. શુક્રવારે રાત્રે પૂર્વી અને પશ્ચિમી ઈરાનના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનો માત્ર તેહરાન પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ ધાર્મિક ગણાતા શહેરોમાં પણ સરકાર વિરોધી નારા ગુંજી રહ્યા છે.
માનવાધિકાર સંગઠનોના મતે, ઈરાનમાં પ્રદર્શનો દરમિયાન અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 7 પ્રદર્શનકારીઓના મોત થયા છે. તેમજ 30 થી વધુ લોકો ઘાયલ થયા છે અને 119 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બ્રિટનના કન્ઝર્વેટિવ સાંસદ અને ભૂતપૂર્વ સુરક્ષા મંત્રી ટોમ ટગનહેટે સોશિયલ મીડિયા પર ઈરાની સત્તાના આંતરિક વિખવાદનો પર્દાફાશ કર્યો છે. તેમણે દાવો કર્યો કે ઘણા વરિષ્ઠ અધિકારીઓ વિદેશી ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં છે. તેઓ પોતાની સુરક્ષાના બદલામાં દેશની ગોપનીય માહિતી સોંપી રહ્યા છે. ટગનહેટના મતે, ઈરાની નેતૃત્વને હવે પોતાના જ લોકો પર શંકા છે, જે શાસન નબળું પડી રહ્યાનો સંકેત છે.
ઈરાનની સ્થિતિ પર અમેરિકા પણ બાજ નજર રાખી રહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પ્રશાસનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું છે કે, જો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની હિંસક હત્યા કરવામાં આવશે, તો અમેરિકા હસ્તક્ષેપ કરશે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વોશિંગ્ટન ‘લોક્ડ એન્ડ લોડેડ’ છે, એટલે કે કોઈપણ લશ્કરી કાર્યવાહી માટે તૈયાર છે. ટ્રમ્પના નિવેદન બાદ ઈરાનના વિદેશ મંત્રાલય અને સુરક્ષા અધિકારીઓએ આક્રમક પ્રતિક્રિયા આપી છે. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે, તો તેના ગંભીર પ્રાદેશિક પરિણામો આવશે. ઈરાની સંસદના અધ્યક્ષે જણાવ્યું હતું કે અમેરિકાના કોઈપણ દુસાહસનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.


