વારાણસી, 9 જાન્યુઆરી 2026: સમગ્ર ઉત્તર ભારત અત્યારે હાડ થીજવતી ઠંડી અને શીતલહેરની લપેટમાં છે, પરંતુ આકરી ઠંડી પણ શિવભક્તોની આસ્થાને ડગાવી શકી નથી. ઉત્તર પ્રદેશના વારાણસીમાં બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધુમ્મસ અને કાતિલ ઠંડી વચ્ચે પણ હજારો ભક્તો લાઈનમાં ઉભા રહી ‘હર હર મહાદેવ‘ના નાદ સાથે બાબાના આશીર્વાદ લઈ રહ્યા છે.
- “બાબાના આશીર્વાદ સામે ઠંડી કંઈ જ નથી”
કાશી વિશ્વનાથ ધામ પહોંચેલા શ્રદ્ધાળુઓનું કહેવું છે કે બાબાના દર્શનની લગન એવી છે કે ઠંડીનો અહેસાસ જ થતો નથી. હિમાચલ પ્રદેશથી આવેલા એક મહિલા શ્રદ્ધાળુએ જણાવ્યું કે, “હિમાચલની સરખામણીએ અહીં ઠંડી ઓછી છે, બાબાએ બોલાવ્યા એટલે અમે દર્શન કરવા દોડી આવ્યા છીએ.” અન્ય એક યુવા ભક્તે જણાવ્યું કે ભલે ધુમ્મસ વધુ હોય, પણ આ વાતાવરણમાં કાશી ભ્રમણનો એક અલગ જ આનંદ છે.
- હવામાન વિભાગની આગાહી: પારો ગગડ્યો
વારાણસીમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 6.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. ઉત્તર પ્રદેશના અન્ય શહેરોમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે. પ્રયાગરાજમાં 8 ડિગ્રી સેલ્સિયસ, બરેલીમાં 6.4 ડિગ્રી સેલ્સિયસ,ગોરખપુરમાં 9.2 ડિગ્રી સેલ્સિયસ અને લખનૌમાં 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
આ પણ વાંચોઃસાયબર ફ્રોડ: મોબાઈલ કંપનીના સેલ્સ મેનેજરની ધરપકડ
છેલ્લા 24 કલાકમાં પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હવામાન શુષ્ક રહ્યું હતું, પરંતુ ગાઢ ધુમ્મસને કારણે અનેક સ્થળોએ વિઝિબિલિટી શૂન્ય મીટર નોંધાઈ હતી. હવામાન વિભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ‘અતિ શીત દિવસ’ જાહેર કર્યો છે. કાતિલ પવન અને ધુમ્મસને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તેમ છતાં ધાર્મિક સ્થળો પર ભક્તોની ભીડ યથાવત છે.


