
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જમીનમાં ભેજનું પ્રમાણ ઘટતા ડુંગળી સહિતના પાકને નુકશાનીની ભીતિ
રાજકોટઃ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસની સાથે સાથે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ છેલ્લા એક મહિનાથી પૂરતો વરસાદ ન થતા જમીનમાં ભેજનું પ્રમાણ પણ નહિવત છે માટે ડુંગળીમા રોગ આવી જતા ડુંગળીની વૃધ્ધિ નહી થતા પાક નુકસાન થવાની દહેશત જોવા મળી રહી છે.
સૂત્રોના જમાવ્યા મુજબ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે ડુંગળીમાં નિકાસ ન થતા તથા પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો આર્થીક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તો આ વર્ષ સાથોસાથ વાવાઝોડુ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદે ખેડૂતોની ડુંગળીએ રડાવ્યા છે બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ સારા એવા પાકની આશાએ પોતાના ખેતરોમાં ડુંગળીનું વાવેતર કર્યું છે. જેમાં મોંઘા ભાવના બિયારણ, મોંઘા ભાવની જંતુનાશક દવાઓ છાટી અને ડુંગળીનુ વાવેતર કરેલ છે અને ઉછેર પણ કરી રહ્યા છે પરંતુ એક મહીના પહેલા સામાન્ય વરસાદ આવ્યા બાદ ધોરાજી પંથકમા વરસાદ ખેંચાયો અને ડુંગળીમા કરેલ ખર્ચ પણ માથે પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
ગોહિલવાડ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોને આ વર્ષે પણ ડુંગળીએ રડાવ્યા હોય તેવુ લાગી રહ્યું છે કારણ કે વરસાદ ખેંચાતા ડુંગળીનો પાક મુરઝાઇ ગયો અને પાક પીળો પડવા લાગ્યો હોવાથી ડુંગળીના પાકમાં હાલ મોલો, મચ્છી જેવા રોગોએ ડુંગળીને વૃધ્ધિ કરતા અટકાવ્યો છે ત્યારે હાલ પાણીની ઘટ છે અને કુવાઓમાં પાણીના તર ઓછા વરસાદને કારણે ઊંચા નથી આવ્યા કે નથી બોરમાં પાણી જેથી પાક મુર્જાઈ રહ્યો છે. ખેડૂતોને વાવેતરનો ખર્ચ, મોંઘી ખેત મજુરી તથા બિયારણ, દવાઓનો ખર્ચ માથે પડ્યો હોઈ તેવુ ખેડૂતો જણાવી રહયા છે ત્યારે હાલ આ ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા ડુંગળીનુ વાવેતર કરનાર ખેડૂતો સરકાર પાસે કેનાલ મારફત પાણીની માંગ કરી રહ્યા છે અને કાગડોળે હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે.