
માર્કેટ યાર્ડોમાં ઘઉં અને ડુંગળીની વિપુલ આવકઃ પુરતા ભાવ મળતા ન હોવાથી ખેડુતો નિરાશ
રાજકોટ : રવિ સીઝન પૂર્ણ થતા ખેડુતો ઘઉં. ડુંગળી સહિતની ખેત પેદાશો વેચવા માટે માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડો ખેત પેદાશોથી ઊભરાઈ ગયા છે. પરંતુ ખેડૂતોને ઘઉંના તથા ડુંગળીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. હોળીના તહેવારોમાં ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં મિની વેકેશન રાખતા તમામ માર્કેટયાર્ડ બંધ હતા. ત્યારબાદ તમામ માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ થતાં ઘઉંની આવક શરૂ થઈ છે. પાલનપુર માર્કેટયાર્ડમાં 1200 બોરીની આસપાસ ઘઉંની આવક નોંધાઈ હતી. અને ખેડૂતોને ઘઉંના મણે 325થી 420 રૂપિયા આસપાસના ભાવ મળી રહ્યા છે.
રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડીંગ હોવાથી સાત દિવસથી રજા હતી. ત્યારબાદ માર્કેટિંગ યાર્ડ ફરી શરૂ થયા છે. રાજકોટ અને ગોંડલ માર્કેટયાર્ડ ખેત જણસોથી ઊભરાઈ ગયા છે. પણ ખેત પેદાશોના યોગ્યભાવ મળતા ન હોવાથી ખેડુતોમાં નારાજગી જોવા મળી રહી છે. જ્યારે બનાસકાંઠામાં પણ આવી જ સ્થિતિ છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં ઘઉંની ખરીદી શરૂ થઈ છે અને ખેડૂતોને મણે 325થી 420 રૂપિયા આસપાસ ભાવ મળી રહ્યા છે. માર્કેટયાર્ડમાં અત્યાર સુધી 1200 બોરી આસપાસ આવક નોંધાઈ છે. માર્કેટયાર્ડ ફરીથી ધમધમતા થતાં ખેડૂતો પોતાના ઘઉં વેચવા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. જોકે માર્કેટયાર્ડમાં ખેડૂતોને મણે 325 થી 420 રૂપિયાના જ ભાવ મળતાં હોવાથી ખેડૂતોના નારાજગી જોવા મળી રહી છે. જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે અન્ય સેન્ટરોની જેમ પાલનપુરમાં પણ ટેકાના ભાવે ઘઉંની ખરીદી થવી જોઈએ. જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે.
માર્કેટ યાર્ડમાં આવેલા ખેડૂતોએ હૈયારાળ ઠાલવતા જણાવ્યું કે, ઘઉં ભરાવવા આવ્યો છીએ, પણ પૂરતા ભાવ જ નથી. તો અન્ય ખેડૂતે જણાવ્યું હતું કે, હાલ જે ઘઉંના ભાવ મળી રહ્યા છે, તે ખૂબ જ ઓછા છે. જેથી ખેડૂતોને કંઈ મળતર રહેતું નથી. સરકારે પાલનપુરમાં પણ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે જે સેન્ટર ઉપર ઘઉંની વધારે આવક હોય ત્યાં સરકાર દ્વારા ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે. પરંતુ પાલનપુર સેન્ટરમાં ઘઉંની આવક ઓછી હોવાથી અહીં ટેકાના ભાવે ખરીદી ન થતી હોવાથી ખેડૂતો ઓછા ભાવે પોતાના ઘઉં વેચવા મજબૂર બન્યા છે. જેતપુર માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો તમામ જણસીની પુષ્કળ આવક જોવા મળી હતી. તો સાથે ડુંગળીની પણ આવક થઈ હતી. લાલ ડુંગળીના 20 કિલોના 180 રૂપિયા, તો સફેદ ડુંગળીના 20 કિલોના 190 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. ત્યારે, ખેડૂતોએ મોંઘાદાટ બિયારણનો ઉપયોગ કરીને ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ સામે ડુંગળીના ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોને ખેતરમાં કરેલ મજૂરીનો ખર્ચ પણ નીકળે એમ નથી એટલા ભાવો ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો મળી રહ્યા છે. ખેતરેથી માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી લઈને આવવું તે પણ ખેડૂતોને પોસાય તેમ નથી.