
રાજકોટઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાજકોટ-ભાવનગર હાઈવે પર ખારચિયા ગામ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરફાટ ઝડપે આવતી ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પિતા અને પુત્રનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે માતા અને પુત્રીને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, હરેશ લાલજીભાઈ ક્યાડા (ઉ.વ.33) તેમના 13 વર્ષના દીરકા જય તેમજ પત્ની અને દીકરી સાથે બાઈક પર સવાર થઈને સરધાર સુરાપુરાનાં દર્શન માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે ખારચિયા ગામ પાસે તેની બાઈકને ટ્રકે અડફેટે લેતા આખો પરિવાર ફૂટબોલની જેમ રસ્તા ઉપર ફંગોળાયો હતો. જેમાં હરેશભાઈ અને તેમના પુત્ર જયને ગંભીર ઇજાઓ થતા બંનેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે હરેશભાઈની પત્ની અને પુત્રીને ઈજા પહોંચી હતી
સમગ્ર બનાવને પગલે સ્થાનિક લોકોનાં ટોળાં એકઠાં થતાં ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. જોકે, આ મામલે સ્થાનિકો દ્વારા પોલીસ અને 108ને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ દોડી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત માતા અને પુત્રીને સારવાર માટે ખસેડ્યાં હતાં. મૃતક હરેશભાઈ અને તેમના પુત્ર જયના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, અકસ્માતમાં પરિવારના મોભી અને કુલદીપકનાં મોત થતા ભારે શોકનો માહોલ છવાયો હતો. આજીડેમ પોલીસ દ્વારા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.