
રાજકોટઃ શહેરનો આજી ડેમ ચોમાસામાં સારા વરસાદને કારણે છલોછલ ભરાઈ ગયો હતો. પરંતુ શહેરમાં વધેલી વસતીને લીધે પાણીનો વપરાશ વધતા શિયાળાના આગમન બાદ ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સૌની યોજના હેઠળ આજી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની માગણી કરવામાં આવી હતી. તેને સરકારે મંજુરી આપતા આજી ડેમમાં 600 MCFT નર્મદાના નીર ઠાલવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નીરથી ફરી એકવાર આજી ડેમ ભરવામાં આવતા રાજકોટ શહેરનું જળસંકટ દૂર થયું છે. મંગળવારે શહેરનાં મેયર સહિતનાં પદાધિકારીઓએ નવા નીરનાં વધામણાં કર્યા હતા અને હવે શહેરીજનોને માટે દરરોજ 20 મિનિટ પાણી વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ અને ન્યારી ડેમમાં શિયાળાના આગમનના પ્રથમ મહિનામાં પાણીનો જથ્થો ઘટી જતાં શહેરીજનોને પુરતા સમય પાણીનું વિતરણ કરવું મુશ્કેલ બની ગયું હતું. ખાસ કરીને આજી ડેમ આધારિત વિસ્તારો માટે ચિંતા ઘેરી બની હતી. ડેમમાં પંદર દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો રહ્યો હતો. જેને લઈને મ્યુનિ.ના કમિશનર અને મેયર દ્વારા રાજ્ય સરકાર પાસે નર્મદાનાં નીર આપવાની માગણી કરવામાં આવી હતી. જેને પગલે મંગળવારથી આજીડેમમાં 600 MCFT નર્મદાનાં નીર ઠાલાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે શહેરના ધારાસભ્ય ડો. દર્શીતા શાહે જણાવ્યું હતું કે, રાજકોટનાં લોકોને પાણીની કોઈ મુશ્કેલી ન રહે તેના માટે સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર આપવામાં આવે છે. આગામી દિવસોમાં પણ જ્યારે જરૂર પડશે, ત્યારે નર્મદાના નીર આજી અને ન્યારી ડેમમાં ઠાલવવામાં આવશે. સાથે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે અટલ સરોવર તેમજ રૈયા ફિલ્ટર પ્લાન્ટ પણ ઉભો કરવામાં આવ્યો હોવાથી શહેરીજનોને ક્યારેય પાણીની મુશ્કેલી રહેશે નહીં અને નિયમિત પાણી વિતરણ કરી શકાશે.
આરએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રકાબી આકાર ધરાવતા આજી ડેમની કુલ સપાટી 29 ફૂટની છે. પરંતુ તેમાં 2 ફૂટનો કાપ ભરાયેલો છે. આજી ડેમની કુલ ક્ષમતા 29 ફૂટ અને 917 MCFTની છે. શહેરની દૈનિક 20 મિનિટ પાણી વિતરણની જરૂરિયાત અને રાજકોટમાં ભળેલા નવા વિસ્તારોની માગને લઈને આજી-1 ડેમ આ વખતે વહેલો ડૂકી ગયો હતો. ગત તારીખ 6 ઓક્ટોબરે મ્યુ. કમિશનરે રાજ્ય સરકારને આજી ડેમની ચિંતાજનક પરિસ્થિતિનો આંકડાકીય ચિતાર આપતો પત્ર લખ્યો હતો અને 15 નવેમ્બર સુધીમાં આજી ડેમમાં નર્મદા નીર ઠાલવવા માંગ કરી હતી. જેને પગલે આજી ડેમમાં ચોમાસા સુધી ચાલે તેટલું 600 MCFTથી વધુ નર્મદા નીર સરકારે મંજૂર કર્યું છે અને તબક્કાવાર રીતે છોડવામાં આવશે. ટૂંક સમયમાં આખો આજી ડેમ નર્મદા નીરથી ભરી દેવામાં આવશે. સાથે સાથે ઉનાળની શરૂઆતમાં કે મધ્યમાં ન્યારી-1 ડેમમાં પણ જરૂર પડશે તો નર્મદાનાં નીર આપવાની સરકારે બાહેંધરી આપી છે.