
ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કૂલપતિ સહિત મહત્વના પદ ઈન્ચાર્જથી ચાલી રહ્યા છે. ઉપરાંત છેલ્લા ઘણા લાંબા સમયથી જુદી જુદી ફેકલ્ટીના ડીનની પોસ્ટ ખાલી હતી અને કોઈના કોઈ કારણે આ ડીનની નિયુક્તિ કરવાનો સમય લંબાતો જતો હતો પણ આખરે યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. એમ એમ ત્રિવેદીએ લાંબા સમયથી બાકી રહેલી નિમણૂકોને સ્ટેચ્યુટરી જોગવાઈ અનુસાર મંજૂરીની મહોર મારી છે. યુનિવર્સિટીમાં જુદી જુદી નવ વિદ્યા શાખાના ડીનની નિયુક્તિ કરવામાં આવી છે અને આ નિમણૂકની મુદ્દત તારીખ 25 જૂન 2019 અથવા હાલના હોદ્દા પર શરૂ રહે ત્યાં સુધી અથવા વાસ્તવિક તારીખે નિવૃત્ત થાય ત્યાં સુધી રહેશે. આર્ટસ, કોમર્સ, સાયન્સ, એજ્યુકેશન, મેનેજમેન્ટ, ગ્રામ વિદ્યા, તબીબી, હોમીઓપેથી અને નર્સિંગ વિભાગમાં ડીનની નિમણૂક કરવામાં આવી છે.
એમ કે ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલ સચિવ ભાવેશભાઈ જાનીએ જણાવ્યું હતું. કે, કુલપતિ દ્વારા વિનયન એટલે કે આર્ટ્સ વિદ્યા શાખામાં ડીન તરીકે પ્રો. કે. એમ. જોશીની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે વાણિજ્ય વિદ્યા શાખામાં ડીન તરીકે પ્રો. બી.સી. અજમેરા અને વિજ્ઞાન વિદ્યા શાખામાં પ્રો. આઈ.આર. ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. શિક્ષણ વિભાગમાં ડીન તરીકે પ્રો. જે.આર. સોનવણે, મેનેજમેન્ટ વિભાગના ડીન તરીકે પ્રો. વી. વી. પંડ્યા, ગ્રામ્ય વિદ્યા શાખાના ડીન તરીકે પ્રો. હસમુખ સુથાર, તબીબી વિદ્યાશાખાના ડીન તરીકે પ્રો. એચ.બી. મહેતા, હોમિયોપેથી વિદ્યા શાખાના ડીન તરીકે પ્રો. જી. એસ. પટેલ તથા નર્સિંગ વિદ્યાશાખાના ડીન તરીકે પ્રો. અનિલભાઈ માંડલિયા (એસોસીએટ ડીન)ની નિયુક્તિ કરવામાં આવી છે.