ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદના ઘરે આગ લાગી
નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આજે બુધવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. 14 જાન્યુઆરી, મકર સંક્રાંતિની સવારે જ્યારે સમગ્ર દેશ તહેવારની ઉજવણીમાં હતો, ત્યારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી આગના અહેવાલ મળ્યા હતા. ફાયર વિભાગની તત્પરતાને કારણે મોટી હોનારત ટળી છે.
દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, રવિશંકર પ્રસાદના ઘરે આગ લાગી હોવાનો કોલ સવારે અંદાજે 8:05 વાગ્યે કંટ્રોલ રૂમને મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ સતત મહેનત બાદ અંદાજે 8:30 વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
ફાયર વિભાગના અધિકારીઓએ પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે, આગ ઘરના એક રૂમમાં રાખવામાં આવેલા બેડમાં લાગી હતી. જોકે, આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી છે કે અન્ય કોઈ કારણોસર, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ફાયર બ્રિગેડ વિભાગની ટીમ હાલમાં ઘટનાસ્થળે તપાસ કરી રહી છે જેથી આગ લાગવાનું સચોટ કારણ જાણી શકાય. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ આ મામલે વિગતો મેળવી રહી છે. રવિશંકર પ્રસાદ અને તેમના પરિવારના સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
(PHOTO-FILE)
આ પણ વાંચોઃઉત્તર ભારત ઠુંઠરાયું: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કાતિલ શીતલહેરની આગાહી


