
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં થયેલા આતંકવાદી હુમલામાં ઉત્તરાખંડના પાંચ જવાનો શહીદ થયાં છે. આ સમાચાર બાદ દેવભૂમિ શોકમાં ડૂબી ગઈ છે. પરિવારજનો આઘાતમાં છે ત્યારે શહીદોના ઘર અને ગામડાઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.કઠુઆના બિલવર ઉપજિલ્લામાં બદનોટાના બરનુદ વિસ્તારમાં જેંડા નાળા પાસે આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાઈ એલર્ટ અને હુમલાના ઈનપુટ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં એક મહિનામાં સૌથી મોટો આતંકવાદી હુમલો માનવામાં આવે છે.
હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીની પુણ્યતિથિ પર સુરક્ષા દળો પર હુમલા અંગે સુરક્ષા એજન્સીઓને છેલ્લા કેટલાક દિવસોથી સતત ઈનપુટ મળી રહ્યા હતા. આવી સ્થિતિમાં કઠુઆ જિલ્લામાં પણ હાઈ એલર્ટ છે. તમામ એજન્સીઓને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. આતંકવાદી હુમલામાં કીર્તિનગર બ્લોકના થાટી ડાગરના રહેવાસી રાઈફલમેન આદર્શ નેગી, રુદ્રપ્રયાગના રહેવાસી નાયબ સુબેદાર આનંદ સિંહ, લેન્સડાઉનના રહેવાસી હવાલદાર કમલ સિંહ, ટિહરી ગઢવાલના રહેવાસી નાઈક વિનોદ સિંહ, રાઈફલમેન અનુજ નેગી શહીદ થયાં છે.
આ સમાચાર બાદ તેમના ઘરમાં શોકનો માહોલ છે. 26 વર્ષીય આદર્શ 2018માં સેનામાં જોડાયા હતા. તેમના પિતા દલબીર સિંહ નેગી ગામમાં જ ખેતીકામ કરે છે. આદર્શે સરકારી ઈન્ટર કોલેજ પીપલીધરમાંથી 12મા સુધીનો અભ્યાસ કર્યો છે. 2018માં તે ગઢવાલ રાઈફલ્સમાં જોડાયા હતા. તે દરમિયાન તે ગઢવાલ યુનિવર્સિટીમાંથી બી.એસસી.ના બીજા વર્ષનો વિદ્યાર્થી હતા. આદર્શ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. પરિવારજનોને સોમવારે મોડી રાત્રે તેમના બલિદાનના સમાચાર મળ્યા હતા.