આંધ્રપ્રદેશમાં પૂરથી આફત,અત્યાર સુધીમાં 34 લોકોના મોત, તો 10 લોકો લાપતા
- આંધ્રપ્રદેશમાં પૂર અને વરસાદથી આફત
- 34 લોકોના થયા મોત
- 10 લોકો છે લાપતા
હૈદરાબાદ :આંધ્રપ્રદેશમાં વરસાદ અને પૂરના કારણે એવી આફત સર્જાઈ છે કે તેના કારણે હવે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આંધ્રપ્રદેશમાં અત્યાર સુધીમાં પૂર અને વરસાદના કારણે 34 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 10 લોકો લાપતા છે જેમને અત્યારે હાલ શોધવામાં આવી રહ્યા છે.
આંધ્રપ્રદેશની સરકાર દ્વારા લોકોને આર્થિક રાહત પેટે કૃષિ પ્રધાન કે કન્ના બાબુએ જણાવ્યું હતું કે સરકારે ભારે વરસાદ અને પૂરને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 1 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ખેડૂતોને પશુધનના મૃત્યુના કિસ્સામાં 30,000 રૂપિયા અને ઘેટાં-બકરાના કિસ્સામાં 3,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ સવારે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. તેમણે નિર્દેશ આપ્યો કે દરેક અસરગ્રસ્ત પરિવારને 25 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો રસોઈ તેલ આપવામાં આવે. આ સાથે 1 કિલો ડુંગળી, 1 કિલો બટેટા અને 2000 રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે. તેમણે અધિકારીઓને સ્વચ્છતા, મેડિકલ કેમ્પની જાળવણી, રસ્તાઓની પુનઃસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ કહ્યું. આ સાથે જ, મુખ્યમંત્રીએ અધિકારીઓને 95,100 રૂપિયાનું વળતર અને ઘર ગુમાવનારાઓને નવું મકાન અને પૂરના કારણે આંશિક રીતે નુકસાન પામેલા લોકોને 5,200 રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો હતો.


