ચહેરા પર દિવસભર તાજગી જાળવી રાખવા અપનાવો આ 5 સરળ સ્ટેપ્સ
બદલાતી જીવનશૈલી અને વધતા પ્રદૂષણની વચ્ચે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેમનો ચહેરો આખો દિવસ ચમકતો અને તાજગીભર્યો દેખાય. નિષ્ણાતોના મતે, સવારના સમયે ત્વચાની કેવી રીતે સંભાળ રાખવામાં આવે છે, તેની સીધી અસર તમારા ચહેરાના સ્વાસ્થ્ય અને નિખાર પર પડે છે. જો સવારની સ્કિન કેર રૂટિન યોગ્ય હોય, તો તે માત્ર કરચલીઓ જ નહીં પરંતુ ખીલ અને ડાઘ-ધબ્બા જેવી સમસ્યાઓને પણ દૂર રાખે છે.
- ચહેરાના નિખાર માટે આ ‘મોર્નિંગ રૂટિન’ છે બેસ્ટ
ક્લીન્ઝિંગ (સફાઈ): દિવસની શરૂઆત હૂંફાળા પાણીથી ચહેરો ધોઈને કરો. તેનાથી રાત્રિ દરમિયાન ત્વચા પર જામેલી ગંદકી અને વધારાનું તેલ (Oil) દૂર થાય છે. સફાઈ માટે હંમેશા હળવા ફેસ વોશ અથવા કેમિકલ રહિત ક્લીંઝરનો ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતા કેમિકલવાળા પ્રોડક્ટ્સ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
ટોનિંગ માટે ગુલાબજળ: ચહેરો સાફ કર્યા પછી ટોનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. આ માટે કુદરતી ગુલાબજળ શ્રેષ્ઠ વિકલ્પ છે. તે ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને પોર્સ (છિદ્રો) ને સાફ કરીને ડાઘ-ધબ્બા ઘટાડવામાં મદદ કરે છે.
સીરમનો ઉપયોગ: ટોનિંગ પછી ત્વચાને પોષણ આપવા માટે વિટામિન-સી ધરાવતું સીરમ લગાવો. તે ત્વચાને અંદરથી નિખાર આપે છે અને એન્ટી-એજિંગ એજન્ટ તરીકે કામ કરીને કરચલીઓ રોકવામાં મદદરૂપ થાય છે.
મોઇશ્ચરાઇઝર છે અનિવાર્ય: ત્વચા ગમે તે પ્રકારની હોય, મોઇશ્ચરાઇઝર લગાવવાનું ક્યારેય ચૂકશો નહીં. તે ત્વચાની કુદરતી ચમક જાળવી રાખે છે અને ચહેરાને નરમ અને મુલાયમ બનાવે છે. ખાસ કરીને શિયાળામાં તે ત્વચાને શુષ્ક થતી બચાવે છે.
સનસ્ક્રીન: ઘરની બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લોશન લગાવવું અત્યંત જરૂરી છે. તે સૂર્યના હાનિકારક કિરણોથી ત્વચાને બચાવે છે અને ટેનિંગ થતું અટકાવે છે. શિયાળાના ઠંડા પવનોથી ત્વચાને સુરક્ષિત રાખવા માટે પણ તે એક રક્ષણાત્મક કવચ જેવું કામ કરે છે.
ખાસ ટિપ્સ: ત્વચાને માત્ર બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ સ્વસ્થ રાખવી જરૂરી છે. આ માટે દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને પૌષ્ટિક આહાર લો.


