
હિંમતનગરઃ ઇડરમાં આવેલા પાંજરાપોળમાં ખોરાકી ઝેરની અસરથી 116 જેટલા પશુઓના મોત નિપજતા આ પંથકમાં હાહાકાર મચી ગયો હતો. આ બનાવની જાણ થતાં જીવદયા પેમીઓ પણ પાંજરાપોળ દોડા ગયા હતા. અને તાબતોબ પશુચિકિત્સકોને બોલાવીને ત્વરિત સારવાર આપીને 200થી વધુ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના ઇડર નજીક 105 વર્ષ જૂની મૂંગા પશુઓ માટે પાંજરાપોળ સંસ્થા ચાલી રહી છે. જેમાં હાલના તબક્કે બાવીસોથી વધારે પશુઓનો નિર્વાહ કરવામાં આવી રહ્યો છે. જોકે 700 એકર જેટલી જગ્યામાં પથરાયેલી પાંજરાપોળમાં પશુઓ માટે લીલો ઘાસચારો બહારથી લાવવામાં આવે છે. બહારથી લાવેલો લીલો ઘાસચારો આરોગવાને લઈને 300 જેટલા પશુઓને ખોરાકી ઝેરની અસર જોવા મળી હતી. જો કે સ્થાનિક પશુ ચિકિત્સકોએ પશુઓની સારવાર શરૂ કરી અને વધુ સારવાર માટે સરકારી પશુચિકિત્સકોને પણ બોલાવવામાં આવ્યા હતા. અને સારવાર શરૂ કરાઇ હતી પરંતુ કમનસીબે 116 જેટલા પશુઓના જીવ ગુમાવવા પડ્યા હતા. 200 થી વધુ પશુઓને બચાવી લેવાયા હતા. રોજે રોજે પશુઓ માટે બહારથી લીલો ઘાસચારો મંગાવવામાં આવે છે. રોજેરોજ જ્યાંથી ઘાસચારો આવે છે ત્યાથી જ ઘાસચારો આવ્યો હતો અને રોજ ત્રણ ટ્રક ઘાસ આવે છે પરંતુ એકજ ટ્રકમાં રહેલો ઘાસચારો આરોગવાને લઈ ખોરાકી ઝેરની અસર થવા પામી હતી.
ઈડર પાંજરાપોળના સૂત્રના કહેવા મુજબ એક તરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે. જેને લઈ લીલો ઘાસચારો ઓછો મળી રહ્યો છે. તો બીજી તરફ બાવીસોથી વધુ પશુઓની નિર્વાહ કરતા પાંજરાપોળ સંસ્થામાં દૈનિક ત્રણ ટ્રક જેટલો લીલો ઘાસચારાની જરૂરિયાત જણાતી હોય છે, ત્યારે બહારથી સંસ્થા દ્વારા લીલો ઘાસચારો મંગાવવો પડતો હોય છે પરંતુ બે દિવસ અગાઉ આવેલ ત્રણ ટ્રક પૈકી એક ટ્રકમાં રહેલ ઘાસચારો આરોગતા ખોરાકી ઝેરની અસર જોવા મળી હતી. શરૂઆતમાં અબોલા પશુઓ ધ્રુજી રહ્યા હતા. થોડાજ સમય બાદ મોઢામાંથી ફિણ નીકળવા લાગ્યા હતા. બાદમાં એક બાદ એક પશુઓ જીવ તરછોડી રહ્યા હતા અને બાદમાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓના રેન્ડમલી પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેમાં પ્રાથમિક ધોરણે ખોરાકી ઝેરની અસર થઈ હોવાનું બહાર આવ્યું હતું. પશુપાલન વિભાગ દ્વારા હવેથી ઘાસચારો આવ્યેથી ઘાસચારાની તપાસ બાદ પશુઓને આરોગવા માટે આપવામાં આવશે.