વિદેશી હૂંડિયામણ ભંડાર 11 મહિનાની આયાત માટે પર્યાપ્ત: RBI
મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા ડિસેમ્બરના બુલેટિન અનુસાર, નવેમ્બર માસમાં ભારતીય રૂપિયો વાસ્તવિક રીતે સ્થિર રહ્યો છે. અમેરિકી ડોલરમાં મજબૂતી અને ભારત-અમેરિકા વેપાર કરાર અંગેની અનિશ્ચિતતા છતાં, અન્ય દેશોના ચલણની સરખામણીએ રૂપિયામાં ઉતાર-ચઢાવ ઓછો જોવા મળ્યો છે. RBIએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર હાલમાં મજબૂત સ્થિતિમાં છે.
કેન્દ્રીય બેંકના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતની ચાલુ ખાતાની ખાધ (CAD) માં ગત વર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ મુખ્યત્વે વસ્તુઓના વેપારમાં ખાધનો ઘટાડો, સેવાઓની નિકાસમાં થયેલો વધારો અને વિદેશમાં વસતા ભારતીયો દ્વારા મોકલવામાં આવતા નાણાં (રેમિટન્સ) જવાબદાર છે.
શેરબજારમાં ઊંચા વેલ્યુએશન અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) એ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. ડિસેમ્બર માસમાં ફરી એકવાર વિદેશી રોકાણનો પ્રવાહ નકારાત્મક જોવા મળ્યો છે. વધુમાં, એપ્રિલથી ઓક્ટોબર 2025 દરમિયાન એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ્સ (ECB) ના રજિસ્ટ્રેશનમાં પણ ઘટાડો નોંધાયો છે, જે દર્શાવે છે કે વિદેશી સ્ત્રોતો પાસેથી મૂડી એકત્ર કરવાની ગતિ ધીમી પડી છે.
વિદેશી રોકાણમાં ઘટાડાને કારણે હૂંડિયામણ ભંડારમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, RBI એ સ્પષ્ટ કર્યું છે કે ભારત પાસે 11 મહિનાથી વધુની આયાત પૂરી કરવા માટે પૂરતું ભંડાર છે. આ ભંડાર દેશના કુલ વિદેશી દેવાના 92 ટકા થી વધુને કવર કરે છે, જે આર્થિક સ્થિરતાના દૃષ્ટિકોણથી અત્યંત સુરક્ષિત સ્થિતિ ગણાય છે. 19 ડિસેમ્બર સુધીના આંકડા મુજબ, રૂપિયામાં નવેમ્બરના અંતની સરખામણીએ આશરે 0.8 ટકાનો ઘટાડો થયો છે. તેમ છતાં, ભારતની આંતરિક કિંમતો તેના મુખ્ય વ્યાપારી ભાગીદાર દેશોની સરખામણીમાં વધુ રહેવાને કારણે આ ઘટાડાની અસર સંતુલિત થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ ઇન્ડિગોને ઝટકો: તુર્કિયેથી લીઝ પર લીધેલા વિમાનો હવે માર્ચ 2026 પછી નહીં ઉડી શકે


