
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં સુરક્ષા માટે 30 પોલીસ અધિકારીઓની કોર કમિટીની રચના
અમદાવાદઃ શહેર નજીક પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવના તડામાર તૈયારીઓ ચાલી રહી છે.એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવને સફળ બનાવવા સ્વામિનારાયણના સંતોથી લઈને સ્વયંસેવકો રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. મહોત્સવમાં લાકોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડશે. આ કાર્યક્રમમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા જળવાય તેના માટે અમદાવાદ પોલીસ કમિશનર સહિત 30 અધિકારીઓની એક કોર કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં જેસીપી અને ડીસીપી સહિત એસીપી કક્ષાના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અધિકારીઓ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તનું સંકલન કરશે. અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થનારા તમામ વિદેશી અને દેશના વીવીઆઈપી મહેમાનોનું સ્વાગત અને ફોર્માલિટીઝ પૂરી કર્યા બાદ તેમને સીધા કાર્યક્રમના સ્થળે લઈ જવાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરમાંથી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત કાર્યક્રમના સ્થળે ગોઠવવામાં આવશે.
અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી જન્મ શતાબ્દીનો ભવ્યાતિભવ્ય મહોત્સવ માટે તડામાર તૈયારીઓ મહિનાઓથી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ટ્રાફિક પાર્કિંગ અને મહેમાનોને કોઈ અસુવિધા ઉભી થાય નહીં તેના માટેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. ઇન્ટરનેશનલ કક્ષાના કાર્યક્રમમાં ખુદ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ કામે લાગી ગઈ છે. સિનિયર આઇપીએસ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ કાર્યક્રમના સંચાલક એવા સંતો સાથે સતત સંકલન કરીને વિવિધ કાર્યક્રમો માટેનું આયોજન કરી રહ્યા છે. કોઈપણ અવ્યવસ્થા ઊભી થાય નહીં તેના માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કાર્યક્રમમાં વિદેશી ડેલીગેશન ઉપરાંત દેશના અને વિદેશના વીવીઆઈપી મહેમાનોનું પણ સતત આવાગમન થતું રહેશે. જેને પગલે એરપોર્ટ પર એરપોર્ટના અધિકારીઓ સાથે પોલીસ અધિકારીઓએ સંકલન કરીને ખાસ વ્યવસ્થા પણ ઊભી કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં લાખોની સંખ્યામાં સ્વામિનારાયણ ધામમાં લોકો આવવાના હોવાથી તેની વ્યવસ્થા માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. પોલીસની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો કાર્યક્રમની જગ્યાએ અત્યારથી જ ફાળવી દેવામાં આવી છે અને તેઓ સતત તમામ પ્રકારની મુવમેન્ટ પર વોચ રાખી રહી છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે 30 હજારથી વધુ સ્વયંસેવકોની નોંધણી થઈ ગઈ છે. આ સ્વયંસેવકો રાઉન્ડ ધી ક્લોક ટ્રાફિક, સંતોના નિવાસસ્થાની વ્યવસ્થા, મુલાકાતીઓના દર્શન સહિતની વ્યવસ્થા તદુપરાંત કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ઊભી થાય નહીં તેના માટે સતત કાર્યરત રહેશે. પોલીસ અધિકારીઓની ટીમ પણ કાર્યકરોની સાથે સંકલન કરીને વ્યવસ્થાનો એક ભાગ બનશે. શતાબ્દી મહોત્સવનું પ્રાંગણ અતિ વિશાળ હોવાથી અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લો અને ગાંધીનગર જિલ્લા પોલીસની હદ લાગતી હોવાથી ત્રણેય સ્થળેથી પોલીસ અધિકારીઓ સંકલન કરીને સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને દેશના તેમજ વિદેશના મહેમાનો આવવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ રહી જાય નહીં તેના માટે ડીજીપી ઓફિસથી ખાસ પોલીસ ફાળવવામાં આવશે. આ ઉપરાંત એસઆરપી અને અન્ય અર્ધ લશ્કરી દળની ટુકડીઓ પણ તહેનાત કરી દેવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ આગામી 15 ડિસેમ્બરથી અમદાવાદના રિંગ રોડ પર ઓગણજથી ભાડજ વચ્ચે યોજવાનો છે. જન્મ શતાબ્દી મહોત્સવને લઈ અને તમામ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ મહોત્સવમાં સેવા માટે આવનારા સ્વયંસેવકો અને હરિભક્તોને રહેવા માટેના મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો ફાળવવામાં આવશે. સાયન્સ સિટી નજીક બનાવવામાં આવેલી આવાસ યોજનાની સ્કીમના 1 હજારથી વધુ મકાનો આ હરિભક્તોને રહેવા માટે ફાળવવામાં આવશે. મકાનો ફાળવણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓગણજ અને ભાડજ વચ્ચે જ્યાં પ્રમુખસ્વામીનગર બનાવવામાં આવેલું છે ત્યાં રોડ વગેરે બનાવવાની કામગીરી કરવામાં આવી છે. મહોત્સવના સ્થળ સુધી જવાના રસ્તા અને તેની આસપાસના રસ્તાઓ નવા બનાવવામાં આવ્યા છે. પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં જરૂરિયાત મુજબની ફાળવણી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવી છે.