નવી દિલ્હી, 15 જુલાઈ 2026: વૈશ્વિક સ્તરે વધી રહેલા ડ્રોન અને માનવરહિત હવાઈ હુમલા (UAV) ના જોખમો સામે લડવા માટે ફ્રાન્સે એક સસ્તો અને સચોટ તોડ શોધી કાઢ્યો છે. ફ્રાન્સે પોતાના અત્યાધુનિક રાફેલ યુદ્ધ વિમાનમાં 68 મીમીના લેઝર ગાઇડેડ રોકેટને સફળતાપૂર્વક ઇન્ટિગ્રેટ કર્યું છે. ‘LADAC’ તરીકે ઓળખાતા આ પ્રોગ્રામ હેઠળ 20 લાખ ડોલરની મોંઘી મિસાઈલના બદલે સસ્તા રોકેટ વડે 50 હજાર ડોલરના શાહેદ-136 જેવા ઘાતક ડ્રોનને હવામાં જ તોડી પાડી શકાશે. ફ્રાન્સની સંરક્ષણ એજન્સી DGA એ 7 જુલાઈ, 2026 ના રોજ આ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.
આ ટેક્નોલોજીકલ અપગ્રેડેશનનો સીધો ફાયદો ભારતીય વાયુસેનાને થશે. ભારતે 2016માં ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાનો ખરીદ્યા હતા, જે અત્યારે સેનાનો મુખ્ય હિસ્સો છે. આ ઉપરાંત, ભારતે વાયુસેનાની તાકાત વધારવા માટે વધારાના 114 રાફેલ વિમાનોની ખરીદી માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત આમાંથી મોટાભાગના વિમાનો ભારતમાં જ બનવાના હોવાથી, રાફેલનું આ નવું ડ્રોન વિરોધી લેઝર ગાઇડેડ રોકેટ કટોકટીના સમયે ભારતની સરહદો સુરક્ષિત રાખવામાં ગેમ-ચેન્જર સાબિત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ પહેલાથી જ F-15E, F-16 અને A-10 જેવા ફાઇટર જેટ પર 70mm APKWS લેસર-ગાઇડેડ રોકેટ તૈનાત કર્યા છે. આનો ઉપયોગ પશ્ચિમ એશિયામાં ઈરાની ડ્રોન અને મિસાઇલોનો સામનો કરવા માટે કરવામાં આવ્યો છે.


