 
                                    ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીના નિવેદનને સમર્થન આપ્યું,કહ્યું-આ યુદ્ધનો સમય નથી
દિલ્હી:ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં ઉચ્ચ સ્તરીય સત્રમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને સમર્થન આપ્યું છે કે આ યુદ્ધનો સમય નથી.
તાજેતરમાં જ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની વાર્ષિક બેઠક દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,આ યુદ્ધનો સમય નથી.મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ અંગે આ વાત કહી હતી.
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું કહ્યું હતું કે,આ યુદ્ધનો સમય નથી.આ સમય પશ્ચિમ સામે બદલો લેવાનો કે પૂર્વ સામે પશ્ચિમનો વિરોધ કરવાનો નથી. આપણા સાર્વભૌમ જેવા રાષ્ટ્રો માટે આગળના પડકારોનો સામનો કરવા માટે એકસાથે આવવાનો સમય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ સામે કહ્યું હતું કે, આજનો યુગ યુદ્ધનો નથી. મેં તમારી સાથે ફોન પર આ વિશે વાત કરી છે.આજે આપણે શાંતિ અને પ્રગતિના માર્ગ પર કેવી રીતે આગળ વધી શકીએ તેની ચર્ચા કરવાની તક મળશે.ભારત અને રશિયા ઘણા દાયકાઓથી એકબીજાની સાથે છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમે ફોન પર ભારત-રશિયા દ્વિપક્ષીય અને વિવિધ મુદ્દાઓ પર ઘણી વખત ચર્ચા કરી છે.આપણે ખોરાક, બળતણ સુરક્ષા અને ખાતરની સમસ્યાઓને દૂર કરવાના માર્ગો શોધવા જોઈએ.યુક્રેનમાંથી અમારા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરવા બદલ હું રશિયા અને યુક્રેનનો આભાર માનું છું.
વડા પ્રધાન મોદીને જવાબ આપતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે,તેઓ યુક્રેન સંઘર્ષમાં ભારતની સ્થિતિથી વાકેફ છે અને ઇચ્છે છે કે આ બધું (યુદ્ધ) વહેલી તકે સમાપ્ત થાય.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

