GCCI દ્વારા ‘પાવર અપ યોર બિઝનેસ’ પર વિશેષ સત્રનું આયોજનઃ VIDEO
અમદાવાદ, 24 ડિસેમ્બર, 2025ઃ Power Up Your Business ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ની ડિજિટલ માર્કેટિંગ અને ડિજિટલ મીડિયા કમિટી દ્વારા, બિઝનેસ વુમન કમિટી અને મહાજન સંકલન ટાસ્કફોર્સના સહયોગથી મંગળવાર, ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ GCCI ખાતે “પાવર અપ યોર બિઝનેસ વિથ ગુગલ માય બિઝનેસ અને વોટ્સએપ સ્ટ્રેટેજીસ” શીર્ષક હેઠળ એક પ્રેરણાદાયી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજેશભાઈ ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડિજિટલ માર્કેટિંગ અને ડિજિટલ મીડિયા કમિટીના ચેરમેન પ્રદીપભાઈ જૈને સ્વાગત પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે નાના વ્યવસાયિકોને વ્યવહારુ ડિજિટલ સાધનોથી સજ્જ કરવા માટે સમિતિના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજના ઝડપથી બદલાતા બજારમાં બિઝનેસ વૃદ્ધિ, વિઝિબિલિટી અને ગ્રાહકો સાથેના જોડાણને વધારવા માટે ગુગલ માય બિઝનેસ અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ અનિવાર્ય છે.

આ સત્રમાં બિઝનેસ વુમન કમિટીના ચેરપર્સન શ્રીમતી આશા વઘાસિયા અને મહાજન સંકલન ટાસ્કફોર્સના ચેરમેન આશિષ ઝવેરી પણ સહભાગી થયા હતા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
શું કહ્યું નિષ્ણાતોએ?
ગુગલ માય બિઝનેસ (GMB) માસ્ટરી: ઝીરો ડાયમેન્શન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર આકાશ શાહે સ્થાનિક સ્તરે વ્યવસાયની હાજરી વધારવા અને ગૂગલ પ્રોફાઇલને ઓપ્ટિમાઇઝ કરવા અંગે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. તેમણે ખાસ કરીને રિટેલ, હોસ્પિટાલિટી, હેલ્થકેર અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રો માટે GMB ના મહત્વ, રિવ્યૂ મેનેજમેન્ટ અને વિશ્લેષણની વ્યૂહરચનાઓ પ્રદર્શિત કરી હતી.

નાના વ્યવસાયો માટે વોટ્સએપ: સોલ્ડ એજન્સીના સ્થાપક કીર્તન ચૌહાણે વોટ્સએપ બિઝનેસ API ના ઉપયોગ દ્વારા વિલંબિત પ્રતિભાવો અને મિસ્ડ ફોલો-અપ્સ જેવી સમસ્યાઓનું નિવારણ કેવી રીતે કરવું તે સમજાવ્યું હતું. તેમણે ઓટોમેટેડ રિપ્લાય, CRM ઇન્ટિગ્રેશન અને સુરક્ષિત બ્રોડકાસ્ટ જેવી સુવિધાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ સત્રો અત્યંત માહિતીપ્રદ અને ઇન્ટરેક્ટિવ રહ્યા હતા, જેમાં સહભાગીઓને વ્યવહારુ જાણકારી મળી હતી.
કાર્યક્રમના અંતે ડિજિટલ માર્કેટિંગ અને ડિજિટલ મીડિયા કમિટીના સભ્ય મોહિત પઢિયાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે કાર્યક્રમના સ્પોન્સર, સોશિયલ એમ્પ્લીફાયર અને સોશિયલ એમ્પ્લીફાયર એકેડેમીના સ્થાપક અને CEO વિવેક નાથવાણીનો તેમના ઉદાર સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ ઉપસ્થિત તમામ મહાનુભાવો, વક્તાઓ અને પ્રતિભાગીઓનો પણ આભાર માનવામાં આવ્યો હતો.


