
(સ્પર્શ હાર્દિક)
પૃથ્વીના નકશા અથવા ગોળાને ઉપર-નીચે એમ અડધા ભાગમાં વિભાજિત કરીને જોવામાં આવે તો બંને ભાગમાં પડતા દેશોમાં ઘણો તફાવત નજરે ચડશે. ઉત્તરના મહત્તમ દેશો ઠંડા અને દક્ષિણના દેશો ગરમ આબોહવા ધરાવે છે. અપવાદોને બાદ કરતાં ઉત્તર ભાગના દેશો દક્ષિણ ભાગના દેશોની સરખામણીમાં ઓછા તાકતવર ગણાય છે. આ તફાવતથી બે જૂથ સર્જાય છે : ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથ. અલબત્ત, દક્ષિણ ગોળાર્ધમાં આવેલા ઑસ્ટ્રેલિયા અને ન્યુઝિલૅન્ડ સામાન્ય રીતે સુખી-સંપન્ન દેશોની મંડળીના સભ્યો ગણાય. સામે પક્ષે ઉત્તર ગોળાર્ધમાં પાવરફુલ એવું રશિયા ગ્લોબલ નોર્થ મંડળીમાં કાયમથી અળખામણું રાષ્ટ્ર બનેલું છે.
આઝાદી પછી ભારતે બિનજોડાણવાદી અભિગમ અપનાવી અમેરિકા કે રશિયામાંથી કોઈની પણ સાથે ગાઢ દોસ્તી કરવાનું ટાળ્યું અને પોતાના હિતોને પ્રાધાન્ય આપી બંને સાથે સંતુલિત સંબંધો સ્થાપિત કરવા મથતું રહ્યું. પાછલી સદીમાં સીધી કે આડકતરી રીતે યુરોપી સત્તાઓની વસાહતો તરીકે દબાઈ રહેલા અને મોટા ભાગે દક્ષિણ ગોળાર્ધમાં આવેલા દેશો આ સદીમાં પોતાનું મહત્વ સમજીને નવો ચોકો રચવાની શક્યતાઓ તપાસી રહ્યા છે. તાજા સમાચાર પ્રમાણે ભારત, રશિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા અને ચીનની મંડળી ‘બ્રિક્સ’માં નવા સભ્યોની નોંધણી થઈ છે. આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇરાન, ઇથિયોપિયા(ઇથોપિયા), સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમિરાત. આવતા વર્ષે આ દેશો બ્રિક્સના પૂર્ણ સભ્ય બની જશે, જેમાં રશિયાને બાદ કરતાં બાકીના ગ્લોબલ સાઉથના દેશો છે. ગ્લોબલ નોર્થ સાથે મનમેળ ન હોવાથી રશિયાને પણ ઘણું શક્તિવાન હોવા છતાં સવાયું ગ્લોબલ સાઉથ કન્ટ્રી કહીએ તો ખોટું નહીં. બ્રિક્સમાં પતનના માર્ગે જઈ રહેલું પાકિસ્તાન ભળે એના પ્રયાસો નિષ્ફળ થયા એ આપણા માટે આનંદની વાત. બ્રિક્સનું એક મહત્વનું રાષ્ટ્ર હોવાથી ભારતનું હિત એમાં જ સમાયેલું છે કે બ્રિક્સ ગ્લોબલ સાઉથ રાષ્ટ્રોની આગેવાની લેનારો એક સમૂહ બને, નહીં કે કટ્ટર રશિયા-ચીન પ્રેમી કે કટ્ટર અમેરિકા દ્વેષી. રશિયા વિશ્વાસપાત્ર ખરું, પણ અમેરિકાને દેખાડી દેવા એ ચીનના પડખામાં ઘૂસીને બ્રિક્સને એકદમ એન્ટિ-અમેરિકન બનાવી દે તો પણ આપણા માટે ગંભીર સ્થિતિ ઊભી થાય. નવાં આવેલાં રાષ્ટ્રો રશિયા કે અમેરિકામાંથી કોઈને પણ કટ્ટર રીતે વફાદાર ન હોવાથી હાલ પૂરતું બ્રિક્સ એક સંતુલિત જૂથ તરીકે ઊભરવામાં સફળ થશે એવું લાગે છે.
કોઈને પણ પ્રશ્ન થાય કે આ રીતે વિશ્વમંચ પર મંડળી રચીને દેશોને શું ફાયદો? બીજા વિશ્વયુદ્ધ પછી યુનાઇટેડ નેશન્સ જૂથ ઊભું થયું, જેણે દાયકાઓ સુધી વિશ્વના જીઑપૉલિટિક્સને પ્રભાવિત કર્યું. કિન્તુ એમાં તાકતવર દેશોનો અવાજ મોટો હતો અને નાના દેશોની વાતો ખાસ મહત્વની ન ગણાતી. હવે દરેક દેશને સમજાઈ ગયું છે કે પોતાના જેવી આર્થિક કે રાજકીય સ્થિતિ ધરાવતા દેશો સાથે સમૂહ રચવામાં વધુ ફાયદો છે. અને આવા સમૂહ રચવાની કે અગાઉથી રચાયેલા સમૂહમાં જોડાવાની જરૂરિયાત નાના-મોટા દરેક દેશોને અનુભવાઈ રહી છે. એનું કારણ ત્રીજા વિશ્વયુદ્ધની પ્રબળ થતી જતી શક્યતાઓ પણ છે.
યુરોપિયન યુનિયન પોતે જ એક મંડળી છે અને અમેરિકા દ્વારા નિયંત્રિત ‘નાટો’ એમની તાકત છે. કહેવાતાં ભદ્ર લોકોના સમાજ જેવી એ ટોળકીમાં ગ્લોબલ સાઉથના દેશોને સ્થાન ક્યાંથી મળે! હવે “તુર્કિયે” થઈ ગયેલું ટર્કિ લાંબા સમયથી યુરોપિયન યુનિયન અને નાટોમાં સામેલ થવા વલખાં મારે છે. ડોનલ્ડ ટ્રમ્પ પ્રેસિડૅન્ટ હતા ત્યારે રશિયાએ પણ નાટોમાં જોડાવા ક્યારેક હકારાત્મક સંકેતો આપેલા. પરંતુ નાટોએ દ્વાર સજ્જડ રીતે બંધ રાખેલા. દેખીતી વાત છે કે જ્યારે એક ચોકો રચીને જગત પર સત્તા ચલાવવાની ઇચ્છાથી ગણતરીના દેશો કામ કરતા હોય, ત્યારે બહાર રહેલા દેશો પણ મંડળી રચે. ગ્લોબલ સાઉથનો વિચાર આ રીતે આજે સ્ટ્રોંગ થયો છે.
અમેરિકા વિરુદ્ધ રશિયા અને ચીનની જોડી, આમ ત્રણ કદાવર રાષ્ટ્રોએ અઘોષિત યુદ્ધની સ્થિતિ સર્જી છે. યુક્રેનની હિંસા આ યુદ્ધનું જાણે આરંભનું પ્રકરણ છે. પરંતુ આ ગ્લોબલ નોર્થનું યુદ્ધ છે, નહીં કે ગ્લોબલ સાઉથનું. વિસ્તારવાદી ચીન જેવા દેશને બાદ કરતાં, ગ્લોબલ સાઉથના દેશોને યુદ્ધમાં ખાસ કોઈ રસ નથી. રશિયાએ યુદ્ધ શરૂ કર્યું એની પાછળનું કારણ જીઑપૉલિટિક્સના તજજ્ઞો અમેરિકા અને નાટોની સળીખોર નીતિને ગણાવે છે. ગ્લોબલ સાઉથના બાકીના લગભગ તમામ દેશોને રસ છે વિકાસમાં, અર્થતંત્રને મોટું કરી પોતાનાં લોકોને સુખીસંપન્ન કરવામાં. ગ્લોબલ નોર્થના દેશોએ પાછલી સદીમાં વિકાસની દોડમાં આગળની હરોળમાં રહી આજે સધ્ધર કહી શકાય એવી સ્થિતિ પ્રાપ્ત કરી છે. એ સમયે રશિયા જેવા અપવાદોને બાદ કરતાં, ગ્લોબલ સાઉથના દેશો કાં તો ગુલામીમાં હતા, કાં તો પોતાની આંતરિક સમસ્યાઓ સામે ઝઝૂમતા હતા. હજુ પણ ગ્લોબલ નોર્થનું લક્ષ્ય છે વિશ્વના અન્ય હિસ્સા, એટલે કે ગ્લોબલ સાઉથના દેશો પર પોતાનું નિયંત્રણ બનાવી રાખવું. બીજી તરફ, ગ્લોબલ સાઉથના દેશો માટે આ સદી વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરવાની છે, નહીં કે ગ્લોબલ નોર્થના ગુલામ જેમ વર્તીને એમના હિત પ્રમાણે પોતાની નીતિઓ રચવાની કે બદલવાની. ભારતે આ વાત થોડાં વર્ષોથી સ્પષ્ટ કરી જ દીધી છે કે આપણું ધ્યાન આપણા ફાયદા પર સૌથી પહેલાં રહેશે.
ભારત લુચ્ચાઈ કરનારો કે સળીખોર દેશ નથી એ હકીકત આખું વિશ્વ જાણે અને માને છે. એટલે જ આપણાં અને અન્ય દેશોનાં લોકો પણ વિશ્વાસથી કહી રહ્યા છે કે ભારત ગ્લોબલ સાઉથના એક મજબૂત અવાજ, એક તાકતવર આગેવાન તરીકે ઊભરશે. બ્રિક્સ જેવા સમૂહમાં આથી આપણું મહત્વ વધી જાય છે અને આવનારું દબાણ પણ. રશિયા અને ચીન બહુ ફાવે નહીં એટલે અમેરિકાની નીતિ અમુક ક્ષેત્રે ભારતને મજબૂત થવા મદદ કરવાની રહેશે. અને આ ક્ષેત્રે રશિયા તટસ્થ બનશે અથવા ચીનને ભારતના વિરોધીમાં સમર્થન આપવાની નીતિ અપનાવશે. જોકે, રશિયા આથી આપણું દુશ્મન નહીં બની જાય, કેમ કે રશિયા પણ પોતાના હિતને પ્રાથમિકતા આપી અમેરિકાને પછાડવામાં જોર લગાવતું રહેશે. હાલમાં જ, ચીન અને રશિયા વચ્ચે ઘનિષ્ઠતા વધતી દેખાઈ રહેલી ત્યારે એના જવાબમાં ભારતે પણ અમેરિકા સાથે નિકટતા વધારી અને આ વર્ષે નરેન્દ્ર મોદીએ ત્યાં સ્ટેટ વિઝિટ કરી. જાણકારોએ એ વિઝિટને ભારત માટે પ્રમાણમાં ફાયદાકારક ગણાવી હતી.
રશિયા અને અમેરિકા વચ્ચેની ખેંચતાણમાં અટવાયા વગર, ભારતે સલૂકાઈથી બંનેમાંથી કોઈને પણ ખાસ હાની પણ કર્યા વગર પોતાનો પક્ષ મજબૂત કરવામાં અત્યાર સુધી સારી એવી સફળતા મેળવી છે. આ કારણે જ વિશ્વસત્તાઓના હાલના કે ભવિષ્યમાં જલદ થઈ શકનારા સંઘર્ષમાં પ્યાદાં બનીને ખુદને નુકસાન કરવાને બદલે, પોતાની પ્રગતિ પર ધ્યાન આપનારા ઘણા ગ્લોબલ સાઉથના સંભવિત આગેવાન તરીકે ભારત દાવેદાર બની રહ્યું છે.
hardik.sparsh@gmail.com