
ગીર સોમનાથઃ હિરણ-2 ડેમ 90 ટકાથી વધુ ભરાયો
અમદાવાદ: ગીર જંગલમાં ભારે વરસાદનાં પગલે ગીરમાંથી નીકળતી તમામ નદીઓ જીવંત બની છે. ત્યારે અવિરત પડેલા વરસાદથી ગીર સોમનાથનાં તમામ જળાશયોમાં નવા નીર આવતા જિલ્લાની પીવાના પાણીની સમસ્યા હલ થઇ છે. સાથે જ છેલ્લી 24 કલાકમાં ગીર જંગલ વિસ્તારમાં 5 થી 6 ઈંચ વરસાદ થતાં ગીરનો સૌથી મોટા પૈકી એક ગણાતો હિરણ-2 ડેમ તેના રૂલ લેવલે 90 ટકાથી વધુ ભરાતા રૂલ લેવલ જાળવવા માટે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે.
હિરણ નદીમાં ઘોડાપુર આવતા તાલાળા અને વેરાવળના અનેક ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા. તો વેરાવળ ખાતેની દેવકા નદીમાં પણ પુર આવતા હિરણ-કપિલા અને સરસ્વતીના ત્રિવેણી સંગમ સહિતનો વિસ્તાર પાણી જ પાણી બન્યો હતો. વેરાવળના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. જોકે મોડી સાંજે વરસાદે વિરામ લેતા વેરાવળ શહેરની પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો. હિરણ-2 ડેમ છલોછલ ભરાતા વેરાવળ-તાલાળાનાં અનેક ગામો માટે આગામી વર્ષભરનું સિંચાઈ માટેનું તેમજ વેરાવળ, સુત્રાપાડાના પીવાનાં પાણીની વર્ષ ભરની જરૂરિયાત પૂર્ણ થઈ હતી.