
બાંગ્લાદેશમાં અનામત મામલે પરિસ્થિતિ વણસતા 1000 ભારતીયો પરત ફર્યા
બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધને કારણે પરિસ્થિતિ ગંભીર છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને લગભગ 1000 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાંથી ભારત પરત ફર્યા છે.
વિદેશ મંત્રાલય (MEA) એ શનિવારે કહ્યું હતું કે, તેમને ભારતીય નાગરિકોના પરત ફરવા માટે તમામ વ્યવસ્થા કરી લીધી છે. નાગરિક ઉડ્ડયન, ઇમિગ્રેશન, લેન્ડ પોર્ટ અને બીએસએફ અધિકારીઓ સાથે સંકલન કર્યું હતું.
778 ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ ભૂમિ બંદરોથી ભારત પરત ફર્યા છે, જ્યારે 200 જેટલા વિદ્યાર્થીઓ ઢાકા અને ચિત્તાગોંગ એરપોર્ટ પરથી નિયમિત ફ્લાઇટ સેવાઓ દ્વારા ઘરે પરત ફર્યા છે.
બાંગ્લાદેશમાં તાજેતરની ઘટનાઓને પગલે ઢાકામાં ભારતીય હાઈ કમિશન અને ચિટાગોંગ, રાજશાહી, સિલહેટ અને ખુલનામાં મદદનીશ હાઈ કમિશન ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવામાં મદદ કરી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરીને, હાઈ કમિશન અને સહાયક હાઈ કમિશન ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષિત મુસાફરી માટે પોતપોતાના પગલાં લઈ રહ્યા છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, “ઢાકામાં ભારતીય હાઈ કમિશન અને અમારા સહયોગી હાઈ કમિશન બાંગ્લાદેશની વિવિધ યુનિવર્સિટીઓમાં રહેતા 4000 થી વધુ વિદ્યાર્થીઓના નિયમિત સંપર્કમાં છે અને જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છે. નેપાળ અને ભૂટાનના વિદ્યાર્થીઓને પણ સુવિધા આપવામાં આવી રહી છે.
ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હાઈ કમિશન અને સહાયક હાઈ કમિશન બાંગ્લાદેશ સત્તાવાળાઓ સાથે નિયમિત સંપર્કમાં છે.
ઉપરાંત, ઢાકામાં હાઈ કમિશન પણ નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ અને બાંગ્લાદેશની એરલાઈન્સ સાથે સંકલન કરી રહ્યું છે જેથી ઢાકા અને ચિત્તાગોંગથી ફ્લાઈટ સેવાઓ સરળ રહે અને ભારતીય નાગરિકો વતન પરત ફરી શકે.
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ઢાકામાં ભારતીય હાઈ કમિશન અને બાંગ્લાદેશમાં સહાયક હાઈ કમિશન ઈમરજન્સી સંપર્ક નંબરો દ્વારા ભારતીય નાગરિકોને કોઈપણ પ્રકારની સહાય પૂરી પાડવા માટે ઉપલબ્ધ છે.