ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ભારતની સ્થિતિ સુધરી, અમેરિકા-યુરોપમાં ગ્રાફ વધ્યો
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: વિશ્વભરમાં ભ્રષ્ટાચારની સ્થિતિ અંગે તાજેતરમાં જાહેર થયેલા ‘ગ્લોબલ ટ્રાન્સપરન્સી’ના વાર્ષિક રિપોર્ટમાં ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024ની સરખામણીએ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે ભારતના રેન્કિંગમાં સુધારો થયો છે. બીજી તરફ, વિકસિત ગણાતા અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં ભ્રષ્ટાચારમાં વધારો થતા તેમના સ્કોરમાં ઘટાડો જોવા મળ્યો છે.
રિપોર્ટ અનુસાર, 180 દેશોની યાદીમાં ભારત હવે 91મા સ્થાન પર પહોંચી ગયું છે. વર્ષ 2023માં ભારત 93મા ક્રમે હતું, જે 2024માં થોડા ફેરફાર બાદ હવે 2025માં વધુ સુધરીને 91મા સ્થાને આવ્યું છે. ભારતનો વર્તમાન સ્કોર 39 છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે 39નો સ્કોર હજુ પણ જોખમી શ્રેણીમાં ગણાય છે અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે ભારતે હજુ લાંબી મજલ કાપવાની બાકી છે.
આ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારો ખુલાસો પશ્ચિમી દેશો બાબતે થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાતો કરી રહ્યા છે, તેમ છતાં અમેરિકાનું રેન્કિંગ 28મા સ્થાનેથી ઘટીને 29મા સ્થાને પહોંચ્યું છે. બ્રિટન, ફ્રાન્સ અને ઇટાલી જેવા દેશોના સ્કોરમાં પણ ઘટાડો થયો છે. બ્રિટન હવે વિશ્વના ટોપ-20 દેશોની યાદીમાંથી બહાર ફેંકાઈ ગયું છે. યુરોપમાં એકમાત્ર જર્મની એવો દેશ છે જ્યાં ભ્રષ્ટાચારના કેસોમાં ઘટાડો નોંધાયો છે. પાડોશી દેશ ચીનમાં અનેક પ્રયાસો છતાં ભ્રષ્ટાચાર યથાવત છે. ચીન 43ના સ્કોર સાથે 76મા ક્રમે સ્થિર છે.
વિશ્વમાં સૌથી ઓઠો ભ્રષ્ટાચાર ડેનમાર્ક અને સૌથી વધારે ભ્રષ્ટ દેશોમાં દક્ષિણ સુદાન અને સોમાલિયાનો સામવેશ થાય છે. 80થી વધુ સ્કોર ધરાવતા દેશમાં માત્ર સાત જ દેશનો સમાવેશ થાય છે. રિપોર્ટ જાહેર કરતા સંસ્થાએ જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વ વ્યવસ્થા ભારે દબાણ હેઠળ છે. સશસ્ત્ર સંઘર્ષો, જળવાયુ પરિવર્તન અને દેશો વચ્ચેની પ્રતિસ્પર્ધાને કારણે ભ્રષ્ટાચાર સામે લડવું મુશ્કેલ બની રહ્યું છે. સમાજ વધુ ધ્રુવીકૃત થઈ રહ્યો છે, ત્યારે વિશ્વને એવા સિદ્ધાંતવાદી નેતાઓની જરૂર છે જે જનહિતમાં પારદર્શક રીતે કામ કરી શકે.
(FILE PHOTO)
આ પણ વાંચોઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ અપાઈ


