 
                                    સાબરકાંઠામાં મગફળીનું સારૂ ઉત્પાદન, હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખેડુતોની લાંબી લાઈનો લાગી
હિંમતનગરઃ સાબરકાંઠામાં આ વર્ષે સરેરાશ 71 ટકા વરસાદ પડ્યો છે. એટલે એકંદરે વરસાદની થોડી ઘટ રહી છે. જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજીત સવા બે લાખ હેકટર જમીનમાં અલગ અલગ પાકનું વાવેતર કરાયું છે. 75 હજાર હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર થયું છે. પહેલા ઓછા વરસાદને લઈને ખેડૂતો ચિંતિત હતા. તો બીજી તરફ પાછોતરો વરસાદ વરસવાને લઈને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ દિવાળીના તહેવાર આવી રહ્યા છે. ખેડૂતો પાક વેંચવા માર્કેટ યાર્ડ પહોંચી રહ્યા છે. પરંતુ અહીં લાંબી કતાર લાગી રહી છે. 2થી 3 દિવસ ખેડૂતોને રાહ જોવાનો વારો આવી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે પાકનું યોગ્ય વળતર મળતું નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે અંદાજીત સવા બે લાખ હેક્ટર જમીનમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે. જેમાં અંદાજીત 75 હજાર હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું છે. મગફળીના વાવેતર સમય દરમિયાન ઓછા વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા હતા. તો મહા મુસીબતે માવજત કરી પાક તૈયાર કર્યો. પરંતુ પાકની લણની સમયે પાછોતરો વરસાદ વરસવાને લઈ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તો સાથે જ વધતા ડીઝલના ભાવોને લઈ પણ ખેડૂતોને આર્થિક નુકસાની થઈ રહી છે. ખેડૂતોએ એક વિઘા મગફળીના ઉત્પાદન માં 15 હજાર અંદાજીત ખર્ચ કર્યો છે. તો બીજી તરફ ઓછા ભાવો મળવાને લઈ ખેડૂતોને નુકસાન થવાની શકયતા છે. ત્યારે ખેડૂતોએ મગફળીના ઊંચા ભાવો મળે એવી માગ કરી છે. ચાલુ સાલે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે મગફળીનો ટેકનો ભાવ 1110 રૂપિયા પ્રતિ વીસ કિલોનો નક્કી કરાયો છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

