
બગદાણામાં ગુરૂ પૂર્ણિમાની ભવ્ય ઊજવણી, CM ભપેન્દ્ર પટેલે બાપા સીતારામના આશીર્વાદ લીધા
ભાવનગરઃ શહેર અને જિલ્લામાં આજે ગુરૂ પૂર્ણિમાને દિને તમામ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. જિલ્લાના બગદાણા ખાતે બાપાના દર્શન માટે મોટી સંખ્યામાં વહેલી સવારથી ભાવિકો ઉમટી પડ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બગદાણા આવી પહોંચ્યા હતા અને બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બાપાના ચરણોમાં શીશ નિમાવી સમગ્ર દેશવાસીઓના સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. વડાપ્રધાનના સંકલ્પ સાથે સમૃદ્ધ ભારત તેમજ સમૃદ્ધ ગુજરાત બનાવી અને બાપા સીતારામ બોલી અને પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.
આજે ગુરુ પૂર્ણિમાને લઈ લાખો ભક્તો ગઈ રાતથી આજ સવાર સુધી બગદાણામાં બાપાના દર્શન માટે પહોંચ્યા હતા. તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત તેમજ દર્શન આવેલા ભક્તોને તકલીફ ન પડે તે માટેની આશ્રમ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બગદાણા આવી પહોંચ્યા હતા અને બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બજરંગદાસ બાપાના આશ્રમમાં દર પુનમે શ્રદ્ધાળુની ભીડ જોવા મળતી હોય છે. જ્યારે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ વિશેષ હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
બગદાણામાં બજરંગદાસ બાપા આશ્રમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ગુરૂ પૂર્ણિમાના પર્વની ઊજવણી માટે તૈયારીઓ ચાલી રહી હતી. સમગ્ર આશ્રમના પરિસર તેમજ બંને રસોડા વિભાગમાં સઘન રીતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમા મહોત્સવમાં એક લાખથી પણ વધારે ભાવિકો શ્રદ્ધાળુઓની ઉપસ્થિત રહ્યા હતા. રસોઈ ઘરમાં 20,000 કિલોના લાડવા પ્રસાદ તેમજ 5000 કિલો ગાંઠિયા, 8000 કિલો શાકભાજી, 2000 કિલો તુંવેરદાળ તેમજ 5000 કિલો રોટલી તથા 3000 કિલોગ્રામ ચોખાનો ઉપયોગ કરાયો હતો. આશ્રમમાં પરંપરા મુજબ સૌ યાત્રાળુઓને પંગતમાં બેસીને પ્રસાદ પીરસવામાં આવે છે. વ્યવસ્થા માટે 350 ગામોના 700થી વધુ સ્વયં સેવકોએ ખડેપગે કામગીરી બજાવી હતી. રસોડા અને ભોજનશાળા વિભાગ ઉપરાંત આરતી, દર્શન, ચા પાણી, પાર્કિંગ, સફાઈકામ જેવા વિભાગોમાં આ સ્વયંસેવકો કામગીરી બજાવી હતી.