
ભાવનગર શહેર અને જિલ્લામાં શાળા-કોલેજોમાં સરસ્વતી અને ગુરૂ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા
ભાવનગરઃ ગોહિલવાડમાં આજે ગુરૂ પૂર્ણિમાના દિનની ભારે ઉત્સાહથી ઊજવણી કરવામાં આવી હતી. શહેર અને જિલ્લાઓની શાળા-કોલેજોમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. , જેમાં સરસ્વતી પૂજન, ગુરુપૂજન, સુંદર કૃતિ, ભજન અને વક્તવ્ય સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા.
ઋષિ-કૃષિની ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાર્થી જીવનના ઘડતરમાં ગુરૂજનોનું શ્રેષ્ઠ સ્થાન હોય છે કે જેઓ વિદ્યાર્થી અવસ્થાથી જ વિદ્યાર્થીઓના ભવિષ્યના પથદર્શક બનીને તેના ઘડતરમાં અનેરૂ મહત્વનું સ્થાન ધરાવતા હોવાથી તેઓ પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરવા માટે ગુરુપૂર્ણિમાના મહોત્સવનું બી.એમ કોમર્સ હાઈસ્કૂલમાં આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 18 જેટલા વર્ગોમાં આ કાર્યક્રમમાં સરસ્વતી પૂજન, વિદ્યાર્થીઓના વક્તવ્ય તેમજ શિક્ષકોના આશિર્વચન સાથેનો કાર્યક્રમો યાજાયા હતા.
આર્યકુળ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એસ.એચ ગાર્ડી કોમર્સ કોલેજમાં ગુરુપૂર્ણિમા પર્વની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 9 થી 12ના ગ્રાન્ટેડ વિભાગ અને સ્ટાર બેચ તેમજ કોલેજ વિભાગના બહેનો અને ભાઈઓ દ્વારા સુંદર કૃતિ, ભજન અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય વીરભદ્રસિંહ જાડેજા અને શાળાના આચાર્ય વંદનાબેન હરિયાણી દ્વારા ગુરુના મહિમા ઉપર વક્તવ્ય પૂરું પાડવામા આવ્યું હતું. તેમજ યુવા ટ્રસ્ટી નિત્યરાજસિંહ જાડેજા દ્વારા ગુરુ અને શિષ્ય વચ્ચેના રહેલા સંબંધની વાત રજૂ કરી હતી. કાર્યક્રમના અંતેના આચાર્ય દેવરાજભાઈ ડાભી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંપૂર્ણ એન્કરિંગ ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીની ઋતિકા જાની અને કશીશ જોશીએ કર્યું હતું.
આ ઉપરાતં જયજનની વિદ્યા સંકુલ બપાડા ખાતે ગુરુપૂર્ણિમાં મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જુનાગઢ જુના અખાડા થાણાપતિ ગૌધામ કોટીયા આશ્રમથી લહેર ગીરીબાપુ તેમજ સર્વેશ્વર ગૌધામ આશ્રમ કોબડીથી મહંત જયદેવ શરણ મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને શુભ આશિષ આપ્યા હતા, તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા તમામ ગુરુજી તથા સંતો મહંતોનું કુમકુમ તિલક પુષ્પહાર તથા શાલ ઓઢાડી તેમજ ગુરુ વંદનાથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો, તેમજ શાળાના તમામ ગુરૂજીનું સન્માન રામાયણ પુસ્તક દ્વારા સન્માનિત કરાયું હતું.તેમજ આ કાર્યક્રમમાં શાળાના માર્ગદર્શક ધર્મેશભાઈ કોરડીયા દ્વારા બાળકોને પ્રસંગોપાત ઉદબોધન કરવામાં આવ્યું હતું, તેમજ શાળાના ટ્રસ્ટીઓ, સંચાલકઓ, આચાર્ય તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.