કાળજું કંપાવી દેનારી એ કરુણાસભર ક્ષણ, એર ઈન્ડિયા દુર્ઘટનાનું એક વર્ષ
હેમંત પરમાર દ્વારા
૧૨ જૂન, ૨૦૨૫નો દિવસ, ગુજરાતના ઈતિહાસનો એ કાળો દિવસ, જેણે સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી દીધા હતા. અમદાવાદના આકાશમાં સર્જાયેલી એ ભયાનક એર ઈન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાને આજે બરાબર એક વર્ષ પૂર્ણ થયું છે. સમય કદાચ વહી ગયો છે, પણ તે દિવસે સર્જાયેલી એ ભયાનક તબાહીના ઘા આજે પણ અમદાવાદ અને સમગ્ર ગુજરાતના હૃદયમાં તાજા છે. આ ભીષણ અકસ્માતમાં ૨૭૫ નિર્દોષ જીવો કાળનો કોળિયો બની ગયા હતા, જેમની યાદમાં આજે આખું રાજ્ય અશ્રુભીની આંખે નમન કરી રહ્યું છે.
શું થયું હતું એ કમનસીબ દિવસે?
આ એ વિમાન દુર્ઘટના હતી જેણે માત્ર હવામાં જ નહીં, પરંતુ જમીન પર પણ ભારે વિનાશ વેર્યો હતો. વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૨૪૧ લોકો આ દૂર્ઘટનામાં કમકમાટીભર્યું મૃત્યુ પામ્યા હતા. આ સિવાય, વિમાન ગીચ વસ્તીવાળા વિસ્તાર નજીક ક્રેશ થવાને કારણે જમીન પર હાજર અન્ય ૩૪ નિર્દોષ લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ક્રેશની એ ક્ષણ, આકાશમાંથી આવતો એ ભયાનક અવાજ, ધડાકા સાથે ઉઠેલા ધુમાડાના ગોટેગોટા અને ત્યારબાદ સર્જાયેલી આગની જ્વાળાઓ આજે પણ પ્રત્યક્ષદર્શીઓના મગજમાંથી દૂર થતી નથી. એ દિવસે માનવતાની વહારે આવેલા સ્થાનિક લોકો અને બચાવ કામગીરીમાં જોડાયેલા જવાનોએ તનતોડ મહેનત કરી હતી, પરંતુ કુદરતનો પ્રકોપ એટલો મોટો હતો કે સેંકડો પરિવારોના ચિરાગ ઓલવાઈ ગયા.
ગુજરાતની જનતાએ લોકપ્રિય અને સંવેદનશીલ નેતા ગુમાવ્યા
આ અત્યંત દુઃખદ અકસ્માતે ગુજરાતના રાજકીય અને સામાજિક ફલક પર ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ પાડી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ કમનસીબ ફ્લાઇટમાં સવાર હતા અને આ દુર્ઘટનામાં તેઓ પણ મૃત્યુને ભેટ્યા હતા. તેમની સાદગી, સામાન્ય લોકો પ્રત્યેનો તેમનો સ્નેહ અને તેમની નેતૃત્વ ક્ષમતાને આજે પણ ગુજરાતની જનતા આદરપૂર્વક યાદ કરે છે. તેમના અકાળ અવસાનથી માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની જનતાએ પોતાના એક લોકપ્રિય અને સંવેદનશીલ નેતા ગુમાવ્યા હતા.
આજે આ હોનારતના એક વર્ષ પૂર્ણ થયું પણ સ્વજનો ગુમાવનારા પરિવારોના આંસુ હજુ સુકાયા નથી. કોઈએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો, કોઈએ માતાપિતા, તો કોઈએ ઘરનો એકમાત્ર કમાતો સભ્ય ગુમાવ્યો. ૩૪ એવા પરિવારો છે જેમના સભ્યો ઘરમાં કે રસ્તા પર સુરક્ષિત હોવા છતાં આ અણધારી આફતનો ભોગ બન્યા હતા. આ તમામ પીડિત પરિવારો માટે વિતેલું એક વર્ષ અત્યંત અસહ્ય પીડા અને શૂન્યાવકાશથી ભરેલું રહ્યું છે.
૧૨ જૂનનો આ દિવસ આપણને હંમેશા માનવ જીવની નશ્વરતા અને આવી મોટી હોનારતોની ભયાનકતા યાદ અપાવતો રહેશે. આ કપરા સમયમાં સમગ્ર ગુજરાત પીડિત પરિવારોની સાથે અડીખમ ઊભું રહ્યું છે, જે દર્શાવે છે કે આપત્તિ ગમે તેટલી મોટી હોય, ગુજરાતની એકતા અને સંવેદનશીલતા ક્યારેય ઓછી થતી નથી. આજે આ કરુણ ઘટનાના એક વર્ષે, સરકાર, તંત્ર અને પ્રત્યેક નાગરિક વતી અમે રિવોઈ પરિવાર આ તમામ ૨૭૫ દિવંગત આત્માઓને હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. ઈશ્વર આ દિવંગત આત્માઓને પોતાના ચરણોમાં ચિર શાંતિ આપે અને તેમના શોકાતુર પરિવારોને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ અને ધૈર્ય આપે તેવી જ હૃદયપૂર્વકની પ્રાર્થના.


